બોટાદ: હડદડની કૃષિ મહા પંચાયતમાં ઘર્ષણ બાદ ગામમાં SRPનો બંદોબસ્ત ગોઠવાયો 

સોશિયલ મીડિયા પર શેર કરો

બોટાદ,

આપ સમર્થક ખેડૂત મહાપંચાયત કાર્યક્રમ દરમિયાન Botad Police પર થયેલા હિંસક હુમલામાં કાવતરૂં રચીને હત્યાનો પ્રયાસ કરવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. AAP ના નેતા/હોદ્દેદારોની ઉશ્કેરણીના કારણે ટોળાએ ભારે પથ્થરમારો કરીને ડીવાયએસપી, પીઆઈ સહિત 4 પોલીસ કર્મચારીઓને ઈજા પહોંચાડી પોલીસના વાહનોમાં તોડફોડ કરી ભયનો માહોલ ફેલાવ્યો હતો. આ મામલે બોટાદ જિલ્લાના પાળીયાદ પોલીસ સ્ટેશન ખાતે દોઢ ડઝન કલમો સાથેની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. FIR ને જોતા ધરપકડ અને આરોપીઓનો આંકડો આગામી દિવસોમાં વધે તેવી પૂરેપૂરી સંભાવના છે.

મહા પંચાયતમાં જોડાવા જઈ રહેલા AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની પણ બગોદરા ખાતે અટકાયત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આ મહા પંચાયતનું આયોજન બોટાદમાં કપાસના વેપારીઓના ‘કડદા’ વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂતોના આંદોલનના ભાગરૂપે કરવામાં આવ્યું હતું, જેમાં ખેડૂતોને કપાસના ભાવ અને જિનિંગ મિલ મુદ્દે રજૂઆત કરવાની હતી.

પાળીયાદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર દ્વારા નોંધાવેલી ફરિયાદમાં હિંસક હુમલાની અગાઉ શું-શું બન્યું તેનો ઉલ્લેખ કર્યો છે. તાજેતરમાં માર્કેટીંગ યાર્ડ (હડદડ-બોટાદ) ખાતે ખેડૂતો પાસેથી વેપારી દ્વારા ખરીદ કરાયેલા કપાસની ગુણવત્તાને લઈને વેપારી અને ખેડૂત વચ્ચે થયેલી બોલાચાલીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો તેનો શરૂઆતમાં  ઉલ્લેખ કર્યો છે. આ વાયરલ વીડિયો મામલે અન્ય લોકોએ અલગ-અલગ અભિપ્રાય આપ્યા હતા. આમ આદમી પાર્ટીના આગેવાન રાજુ કરપડાએ 10 ઑક્ટોબરના રોજ હડદડ ગામે જવાની જાહેરાત કરી હતી. હરાજી દરમિયાન રાજુ કરપડા અને આપના સ્થાનિક હોદ્દેદાર પરષોતમભાઈ રાઠોડ અને અન્ય કાર્યકર્તાઓએ સંબોધન કર્યું હતું. કપાસના ભાવમાં થતાં કડદા અંગે યાર્ડના ચેરમેન સામે મળતીયાઓને ઉશ્કેરી કપાસની હરાજી અટકાવી દીધી હતી. કપાસ જેવી અત્યંત જ્વલનશીલ જણસ ભરેલા વાહનો તથા ઢગલા પડેલા હોય માર્કેટિંગ યાર્ડના ચેરમેનની રજૂઆતના પગલે પોલીસે આપના નેતા/હોદ્દેદારને કામગીરીમાં અડચણરૂપ ન થવા સમજાવ્યા હતાં. આમ આદમી પાર્ટીના સમર્થિત લોકો તથા આગેવાનો સ્થળ ઉપર ધરણા સ્વરૂપે બેસી ગયા હતા. પોલીસ દ્વારા વારંવાર મંજૂરી વિના ધરણા ન કરવા સમજાવેલા તેમ છતાં રાજુ કરપડા તથા આમ આદમી પાર્ટીના હોદ્દેદારો-કાર્યકરો દ્વારા પ્રદર્શન બંધ ન થતા ગત 11 ઑક્ટોબરના રોજ તેઓની અટકાયત કરાઈ હતી. સક્ષમ અધિકારીની મંજૂરી વગર સભા રેલી ધરણાં પર નહીં બેસવાની બાંહેધરી આપતા કાયદેસરની કાર્યવાહી આપના નેતા સહિતના લોકોને બોટાદ પોલીસે મુક્ત કર્યા હતા.

પોલીસે દાવો કર્યો હતો કે આ પંચાયતનું આયોજન મંજૂરી વિના કરવામાં આવ્યું હતું. જેને રોકવા માટે પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આ દરમિયાન ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ વાહનો પર પથ્થરમારો કર્યો હોવાના આક્ષેપો છે, જેના જવાબમાં પોલીસે સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે ટિયર ગેસના શેલ છોડવા પડ્યા હતા. પોલીસે આ ઘટના બાદ અનેક લોકોની અટકાયત પણ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *