અમદાવાદના ઝુંડાલ સર્કલથી વૈષ્ણોદેવી જતાં રસ્તા પર પેસેન્જર બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત

સોશિયલ મીડિયા પર શેર કરો

અમદાવાદ,

શહેરના ઝુંડાલ સર્કલથી વૈષ્ણોદેવી મંદિર પાસેના ચાર રસ્તા પાસે જતાં હોટલ હિલ્લોક નજીક વહેલી સવારે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં રોડ પર અચાનક આવેલા બમ્પથી બચવા એક પેસેન્જર બસના ડ્રાઇવરે અચાનક બ્રેક મારતાં પાછળથી પૂરઝડપે આવી રહેલું ટ્રેલર બસ સાથે ધડાકાભેર અથડાયું હતું. 

આ અકસ્માત બાબતે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બસ ડ્રાઇવર કથિત રીતે હાઇ સ્પીડમાં હતો અને અન્ય વાહનને ઓવરટેક કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે જ સમયે અચાનક રોડ પર બમ્પ દેખાતા તેણે વાહન પર કાબૂ મેળવવા માટે અચાનક બ્રેક મારી દીધી હતી.

વહેલી સવારે માર્ગ અકસ્માતની ખબર મળતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માતને કારણે સર્જાયેલા ટ્રાફિક જામને દૂર કરાવ્યો હતો. બાદમાં બંને વાહનોને ટો કરીને રસ્તા પરથી હટાવવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ અકસ્માત વધુ પડતી ઝડપ કે બેદરકારીને કારણે થયો હતો કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ઝુંડાલથી વૈષ્ણદેવી તરફ જતાં રસ્તા પર રોડની બાજુમાં લાંબા સમયથી ખોદેલા ખાડાઓને કારણે આ વિસ્તાર અકસ્માત ઝોન બની ગયો છે. જ્યારે પણ અહીં અકસ્માત સર્જાય છે, ત્યારે વાહનો સીધા આ ખાડાઓમાં ખાબકે છે, જેના પરિણામે મોટી ઇજાઓ થવાની અને જીવ ગુમાવવાની સંભાવના અનેકગણી વધી જાય છે. રાત્રિના સમયે દ્રશ્યતા ઓછી હોવાથી આ જોખમ વધુ ભયાવહ બની જાય છે, અને અનેક વખત મોટા વાહનો પણ પલટી જવાની ઘટનાઓ બને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *