પાટણ,
પાટણના સિદ્ધપુર કાકોશી ખાતે બનેલા આ બનાવમાં વીજ કર્મચારી જ પોતે પોલ પર ઊંધો લટકી ગયો હતો. યુવકને કરંટ લાગતા જ યુવક બેભાન થઈને પૂલ પર લટકી જતા તાત્કાલિક હાઇડ્રોલિક ટ્રેક્ટરની મદદથી નીચે ઉતારી સારવાર માટે લઈ જવાયો હતો. હોસ્પિટલમાં આંખ ખૂલતા જ યુવકે કહ્યું કે, ‘ભગવાને નવું જીવન આપ્યું’ છે.
સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામે વીજ લાઈન રીપેરીંગની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન વિકેસ ઠાકોર નામનો શ્રમિક યુવક વીજ પોલ પર ચઢી લાઈનની કામગીરી કરી રહ્યો હતો. દરમિયાન તેનો હાથ વીજ લાઈનને અડકી જતા તેને કરંટ લાગ્યો હતો, જેથી તે વીજ પોલ પર ઊંધો લટકી ગયો હતો. જોકે, વીજ લાઈન બંધ કરીને રિપેરિંગ કામ કરવામાં આવ્યું હતું. પરંતુ કોઈ કારણોસર કરંટ લાગ્યો હતો. આ ઘટનાને પગલે અફરા તફરી મચી ગઈ હતી. આજુબાજુના લોકો તેમજ તેના સાથી કામદારો તાત્કાલિક દોડી આવ્યાં હતા.આ દરમિયાન નજીકમાં ઊભેલું હાઇડ્રોલિક ટ્રેક્ટર બોલાવી તેને નીચે ઉતારવામાં આવ્યો હતો. ત્યારબાદ સારવાર અર્થે હોસ્પિટલ લઈ જતા તેનો બચાવ થયો હતો. આ ઘટના બનતા જ લોકો ઉમટી પડ્યા હતા. રોડ નજીક જ ઘટના બનતા કેટલાય વાહન ચાલકો પણ ત્યા આવી પહોંચ્યા હતા અને આને કોઈક નીચે ઉતારો તેવી બૂમો પાડવા લાગ્યા હતા.
જેથી બાજુમાં જ હાઇડ્રોલિક ટ્રેક્ટર હોવાથી તેની મદદ લઈને યુવકને તાત્કાલીક નીચે ઉતારવામાં આવ્યો હતો. જોકે, યુવક બેભાન અવસ્થામાં હોવાથી તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. યુવકને બેથી ત્રણ જગ્યાએ શોર્ટ લાગ્યો હતો. જે બાદ તે વીજ પોલ પર તે ઊંધો લટકી ગયો હતો. પરંતુ તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં તેનો બચાવ થયો હતો, જો ઉપરથી પટકાયો હોત તો કદાચ દુર્ઘટના બની હોત.આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા વિકેસ ઠાકોરે જણાવ્યું હતું કે, અમે પાંચ લોકો કાકોશી સાઈડ પર એલ ટી લાઈન પર કામ કરતા હતા. આ દરમિયાન લાઈન બંધ હતી, ત્યારે પિન બાઇનિંગ કરવા ઉપર ચડ્યો હતો.
બે લાઇન ખોલી હતી, ત્યા જ અચાનક ઝટકો લાગતા હું બે ભાન થઈ ગયો હતો. જે બાદ શુ થયું એ મને ખબર નથી. મને દવાખાને લાવ્યા અને મારી આંખ ખુલી પછી ખબર પડી હતી. ભગવાને મને નવું જીવન આપ્યું છે.ડૉ. રાજેશ ઓઝા એ જણાવ્યું હતું કે, અહીંયા સારવાર માટે લાવ્યા ત્યારે તે ગભરાઈ ગયેલો હતો, બે ત્રણ જગ્યાએ કરંટ લાગ્યો હતો. હાથમાં અને ડાભી બાજુ સાથળના ભાગે કરંટ ત્યાંથી બહાર પણ નીકળ્યો હતો. બે ત્રણ જગ્યાએ ચાદા પડ્યા હતા. ગભરાઈ ગયો હતો. તેના બધા રિપોર્સર કરાવ્યાં હતા, એ પણ સારા આવ્યા છે. અત્યારે એને સારૂ છે, એટલે આજે રજા પણ આપવામાં આવશે.