વડોદરા,
વડોદરાના હરણી વારસીયા રોડ પર આવેલી રહેણાંક વિસ્તાર પાસેની કાંસનો સ્લેબ ઘડાકાભેર બેસી ગયો
વડોદરા શહેરના હરણી વારસીયા રોડ વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાંથી પસાર થતી વરસાદી કાંસનો ભાગ પરોઢીયે 6 વાગ્યા આસપાસ ધડાકાભેર બેસી ગયો હોવાની ઘટના બની હતી. આ ઘટનાને પગલે લોકોની સવાર જ ભયના માહોલ વચ્ચે થઇ છે. ઘટના અંગે સ્થાનિક કોર્પોરેટર અજીત દધીચને જાણ કરવામાં આવતા તાત્કાલીક રીપેરીંગ કાર્ય શરૂ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. વીએમસીના મેયરના વોર્ડમાં અગાઉ પણ પાણીની સમસ્યા લાંબા સમય સુધી સામે આવી હતી.
વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ હરણી વારસીયા રીંગ રોડ પર આવેલા શિવમ બંગ્લોઝ પાસેથી પસાર થતી એક વરસાદી કાંસનો મોટો સ્લેબ ધરાશાયી થયો હોવાનું સામે આવ્યું છે. આ કાંસ પર મુકવામાં આવેલો બાંકડો પણ સ્લેબ સાથે પડી ગયો છે. રહેણાંક વિસ્તારની મધ્યમાથી પસાર થકી કાંસનો ભાગ બેસી જવાના કારણે રહીશોમાં ભારે ડર સાથે રોષની લાગણી જોવા મળી રહી છે.
આ બાબતે સ્થાનિકોએ જણાવ્યું હતું કે, પરોઢીયે 6 વાગ્યે ધડાકા સાથે લગભગ 40 ફૂટનો સ્લેબ ધરાશાયી થઇ ગયો છે. એટલો મોટો ઘડાકો થયો કે આસપાસના મકાનોમાં ધ્રુજારી જેવું અનુભવાયું છે. આ સ્લેબને જલ્દીથી જલ્દી રીપેર કરવામાં આવે તેવી અમારી માંગ છે. અગાઉ લોકોના ઘર સુધી પાણી આવી જવાની ઘટનાઓ બની છે. આ સ્લેબને દુરસ્ત કરવામાં મોડું થાય તો આસપાસના 400 જેટલા મકાનોમાં પાણી ભરાઇ જવાની ભીતિ છે. કોર્પોરેટર અને તંત્રને જાણ કરવામાં આવવાથી, કામગીરી શરૂ કરવામાં આવી છે. શિવ બંગ્લો અને કૃષ્ણકુંજની કાંસમાં નવા સ્લેબ બનાવવામાં આવે તેવી જરૂરીયાત જણાય છે. ઘડાકાભેર કાંસનો સ્લેબ સવાર સવારમાં તુટી પડવાના કારણે વિસ્તારના લોકોમાં ભયની લાગણી પ્રસરી ગઈ હતી. લોકો કંઇ સમજી શક્યા ન્હતા. અમારો વોર્ડ નંબર 4 છે. આ વોર્ડ મેયરનો વોર્ડ છે. મેયરને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે, આ નાળુ નવેસરથી બનાવે તો લાંબા ગાળા માટે સમસ્યા સોલ્વ થાય. નહી તો લોકોના ઘરમાં પાણી ભરાઈ જવાની શક્યતાઓ છે. આ નાળુ પેક થયું તો લોકોને નુકશાન થવાની શક્યતા છે.