અમદાવાદ
ગુજરાત હાઈકોર્ટમાં દાહોદથી 14 વર્ષ અને 6 મહિનાની સગીરાના 8 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે અરજી કરવામાં આવી હતી.
જેમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપી સામે ધાનપુર પોલીસ મથકે દુષ્કર્મ અને પોક્સો એક્ટની ધારાઓ અંતર્ગત ફરિયાદ
નોંધાઈ હતી. જોકે, કોર્ટ કાર્યવાહીમાં અરજદારના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, કોર્ટમાં કાર્યવાહી પેન્ડિંગ છે, ત્યારે ફરીથી સગીરા
ભાગી ગઈ છે. જે સંદર્ભે દાહોદના ધાનપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
હેબિયસ કૉર્પસ દાખલ થતાં હાઈકોર્ટની પક્ષકારોને નોટિસઃ સગીરાને સદેહે હાજર કરવા હાઇકોર્ટમાં હેબિયસ કૉર્પસ અરજી દાખલ
કરવામાં આવી છે. જેમાં હાઇકોર્ટે પક્ષકારોને નોટિસ પાઠવીને વધુ કાર્યવાહી 12 જાન્યુઆરીએ રાખી છે. ઉલ્લેખનીય છે કે, સગીરા
જ્યારે પહેલી વખત ભાગી ત્યારે તેની યોગ્ય કાળજી રાખવાની બાહેંધરી તેના વાલી દ્વારા આપવામાં આવી હતી. વળી પ્રોબેશન
ઓફિસર દ્વારા તેની નિયમિત મુલાકાત પણ લેવાની થતી હતી.
26 ડિસેમ્બરે સગીરાનો મેડિકલ રિપોર્ટ કોર્ટ સમક્ષ આવવાનો હતોઃ અગાઉ સગીરા ગર્ભ રાખવા માંગતી ના હોવાથી ગર્ભપાત માટે
કોર્ટની પરવાનગી માંગતી અરજી દાખલ કરી હતી. જેથી હાઇકોર્ટે સગીરાની મેડિકલ તપાસના આદેશ આપ્યા હતા. જેમાં તેને
દાહોદની સિવિલ હોસ્પિટલની ડોક્ટર કમિટી સમક્ષ 24 ડિસેમ્બરે હાજર થવાનું હતું અને 26 ડિસેમ્બરે તેનો મેડિકલ રિપોર્ટ કોર્ટ
સમક્ષ આવવાનો હતો. જેથી કોર્ટ આગળના નિર્દેશ આપી શકે.
મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી (MTP ) એક્ટ હેઠળ કોઈપણ પરિણીત મહિલા, બળાત્કાર પીડિતા, અલગ-અલગ-વિકલાંગ
મહિલા અને સગીર છોકરીને 24 અઠવાડિયાં સુધીની ગર્ભાવસ્થાનો ગર્ભપાત કરવાની છૂટ છે. જો પ્રેગ્નન્સી 24 અઠવાડિયાંથી વધુ
હોય તો મેડિકલ બોર્ડની સલાહ પર કોર્ટમાંથી ગર્ભપાતની મંજૂરી લેવી પડે છે. વર્ષ 2020માં MTP એક્ટમાં ફેરફારો કરવામાં આવ્યા
હતા. એ પહેલાં 1971માં બનેલો કાયદો લાગુ હતો.
છેલ્લા બે વર્ષમાં 19 દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની મંજૂરી અપાઈઃ
ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઈકોર્ટ દ્વારા બે વર્ષમાં 29 નવેમ્બર, 2025ના સગીરાના ગર્ભપાતના કેસ સહિત 19 પીડિતાને
ગર્ભપાતની મંજૂરી આપવામાં આવી છે, જેમાં 16 સગીરાનો સમાવેશ થાય છે. જોકે, 12 મેના રોજ હાઈકોર્ટે 13 વર્ષીય સગીરાના
33 સપ્તાહના ગર્ભપાતની મંજૂરી આપી હતી. ત્યાર બાદ 13 મેના રોજ સગીરાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને
17 મે, 2025ના રોજ સગીરાએ બાળકીને જન્મ આપ્યો હતો. આ ઉપરાંત હાઈકોર્ટ દ્વારા 28 સપ્તાહ પ્રેગ્નેન્ટ 14 વર્ષની
પીડિતાને જીવનું જોખમ હોવાથી ગર્ભપાતની મંજૂરી આપવા ઇનકાર કર્યો હતો.

