અમદાવાદ
અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તારો ધુમ્મસની ઝપેટમાં છે. શિયાળુ હવામાનના કારણે ગાઢ ધુમ્મસથી અમદાવાદ એરપોર્ટ
પરની 15 ફ્લાઈટ કેન્સલ અને 24 ડીલે થઈ હતી. દિલ્હીના કારણે અમદાવાદ એરપોર્ટ પર આજે સવારથી ઘણી ફ્લાઈટ્સ રદ થઈ
ગઈ છે. ઘણી કલાકો મોડી ચાલી રહી છે. એર ઇન્ડિયા, ઈન્ડિગો અને સ્પાઇસજેટ જેવી ઘણી એરલાઇન્સની અનેક ફ્લાઈટ કેન્સલ
અને ડીલે થઈ છે. દિલ્હીમાં ઓછી વિઝિબિલિટીને કારણે કેટલીક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. ધુમ્મસને કારણે અમદાવાદ
એરપોર્ટ પર વિઝિબિલિટી ખૂબ ઓછી રહી ગઈ હતી. જેના કારણે આજે અમદાવાદ એરપોર્ટ પરની કુલ 15 ફ્લાઇટ્સ રદ કરવી
પડી. અને 24 ફ્લાઇટ મોડી પડી. આજે હવાઈ મુસાફરીને લઈને મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વિવિધ
એરલાઈન્સની અનેક ફ્લાઇટ્સ કેન્સલ અને ડિલે થવાના કારણે એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ સર્જાયો છે. અરાઇવલ કેન્સલ
ફ્લાઇટ્સની વાત કરીએ તો, સ્ટાર એરની ઇન્દોરથી આવતી ફ્લાઇટ, ઈન્ડિગોની ગાઝિયાબાદથી આવતી ફ્લાઇટ, સ્પાઇસજેટની
કોલકાતા, એર ઇન્ડિયાની મુંબઈ અને દિલ્હીથી આવતી બે ફ્લાઇટ્સ, તેમજ ઈન્ડિગોની મુંબઈ અને સ્પાઇસજેટની વારાણસીથી
આવતી ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે. તે ઉપરાંત, અરાઇવલ ડિલે ફ્લાઇટ્સમાં ઈન્ડિગોની રાંચી, દિલ્હી, મુંબઈ, ગોવા, જયપુર,
જમ્મુ, દેહરાદૂન અને દુબઇ, સ્ટાર એર ની પૂર્ણિયા, સ્પાઇસજેટની દિલ્હી, અને એર ઇન્ડિયાની મુંબઈથી આવતી ફ્લાઇટ્સ ડીલે થઈ
છે. ડિપાર્ચર કેન્સલ ફ્લાઇટ્સમાં સ્ટાર એરની ઇન્દોર, એર ઇન્ડિયાની મુંબઈ અને દિલ્હી (બે ફ્લાઇટ), ઈન્ડિગોની ગાઝિયાબાદ અને
અમૃતસર, અને સ્પાઇસજેટની કોલકાતા જતી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. જ્યારે ડિપાર્ચર ડિલે ફ્લાઇટ્સમાં ઈન્ડિગોની
ચંદીગઢ, મુંબઈ, દિલ્હી, રાંચી, જયપુર, જેદ્દાહ, વારાણસી અને ગોવા, સ્પાઇસજેટની દિલ્હી, દુબઇ અને ચેન્નઈ જતી ફ્લાઇટ્સ
મોડેથી રવાના થશે.
ફ્લાઇટ્સ કેન્સલ અને મોડું થવાને કારણે મુસાફરોને લાંબી રાહ જોવી પડી રહી છે. એરલાઈન્સ દ્વારા ઈન્ડિગો એરલાઇને
એડવાઇઝરી જાહેર કરી છે. ઈન્ડિગોએ જણાવ્યું છે કે આજે સવારે દિલ્હીમાં ગાઢ ધુમ્મસના કારણે વિસિબીલીટી ભારે ઘટાડો થયો
છે, જેના કારણે ફ્લાઇટ કામગીરી પર અસર પડી છે. સલામતીને પ્રાથમિકતા આપતા અને એરપોર્ટ પર મુસાફરોને લાંબી રાહ જોવી
ન પડે તે માટે દિવસ દરમિયાન કેટલીક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી શકે છે તેમજ કેટલીક ફ્લાઇટ્સને પ્રસ્થાનમાં વધુ સમય લાગી
શકે છે. સાથે જ, ધુમ્મસના કારણે રોડ ટ્રાફિક પણ ધીમો પડી શકે હોવાથી મુસાફરોને એરપોર્ટ જવા માટે વધારાનો સમય રાખવાની
વિનંતી કરવામાં આવી છે. બીજી તરફ, એર ઇન્ડિયાએ પણ એડવાઇઝરી જાહેર કરી છે. એર ઇન્ડિયાના જણાવ્યા અનુસાર ગાઢ
ધુમ્મસના કારણે દિલ્હી અને ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં નબળી વિઝિબિલિટી જોવા મળી રહી છે, જેના કારણે ફ્લાઇટ
કામગીરી અસરગ્રસ્ત બની છે. મુસાફરોને એરપોર્ટ જતાં પહેલા તેમની ફ્લાઇટની સ્થિતિ તપાસવાની સલાહ આપવામાં આવી છે.
ઈન્ડિગો અને એર ઇન્ડિયા ઉપરાંત અન્ય અનેક એરલાઇન્સે પણ આવી જ પ્રકારની એડવાઇઝરી જાહેર કરી છે.

