સુરતમાં શિવ રેસીડેન્સીના રહીશોની આંખોમાં બીજા દિવસે પણ આંસુ, બાળકો-વૃદ્ધો સહિત 400 લોકો ભટકવા મજબૂર, જમવાના પણ ફાફા

સોશિયલ મીડિયા પર શેર કરો

સુરત
જે દીવાલોએ 15 વર્ષ સુધી એક પરિવારને હૂંફ આપી, જે આંગણામાં બાળકો મોટા થયા અને જે મકાન ખરીદવા માટે મધ્યમવર્ગીય
પરિવારોએ પોતાની આખી જિંદગીની મૂડી લગાવી દીધી, તે જ મકાન આજે તેમના માટે ‘જોખમી’ બની ગયા છે. સુરતના ભીમરાડ
વિસ્તારમાં આવેલી શિવ રેસિડેન્સીના રહીશો માટે આજે સમય જાણે થંભી ગયો છે. બાજુમાં ચાલી રહેલા ‘બ્રાઈટસ્ટોન પ્રોજેક્ટ’
રાજલક્ષ્મી બિલ્ડરના ખોદાણને કારણે 17 ડિસેમ્બરે સર્જાયેલી દુર્ઘટનાના બીજા દિવસે પણ અહીં રુદન અને આક્રોશનો માહોલ
જોવા મળી રહ્યો છે. શિવ રેસિડેન્સીના ચાર ટાવરને સુરત મહાનગરપાલિકા દ્વારા સીલ મારી દેવામાં આવતા બાળકો-વૃદ્ધો સહિત
400થી વધુ લોકોની હાલત અત્યંત દયનીય બની છે. રહીશો રડતી આંખે પોતાનો કિંમતી સામાન અને ઘરવખરી લઈને બહાર
નીકળી રહ્યા છે, જ્યારે પાલિકાના ગાર્ડ્સ દ્વારા બિલ્ડિંગને કડક સુરક્ષા વચ્ચે કોર્ડન કરી દેવામાં આવી છે. સૌથી મોટી સમસ્યા એ છે
કે, રાજલક્ષ્મી બિલ્ડર દ્વારા રહેવા અને જમવાની વ્યવસ્થા માટે જે હેલ્પલાઈન નંબરો આપવામાં આવ્યા છે, તે નંબરો પર રહીશો
સતત ફોન કરી રહ્યા છે, પરંતુ બિલ્ડરના માણસો ફોન ઉપાડવાની તસ્દી પણ લેતા નથી. આ બેદરકારીને કારણે અનેક પરિવારો નાના
બાળકો અને વૃદ્ધો સાથે રસ્તા પર અથવા હોટેલમાં આશરો લેવા મજબૂર બન્યા છે. 15 વર્ષથી જે મકાનમાં આશરો લીધો હતો તે
આજે પત્તાના મહેલની જેમ ધરાશાયી થવાની અણી પર છે. નિર્માણધીન પ્રોજેક્ટમાં હજુ પણ પાણીનું લેવલ વધારે હોવાથી બાજુના
ટાવરના રહીશોના જીવ અધ્ધર થઈ ગયા છે. સ્થાનિક રહીશ પિયુષભાઈના જણાવ્યા અનુસાર, સોસાયટી માત્ર એક બાજુથી નહીં
પણ બંને બાજુથી જોખમમાં છે, કારણ કે બિલ્ડિંગની બીજી તરફ પણ સમાંતર બાંધકામ અને ખોદકામ ચાલી રહ્યું છે, જેના કારણે
આખું સ્ટ્રક્ચર સંકટમાં મુકાયું છે. રીમઝીમ જૈન જેવા અનેક મધ્યમવર્ગીય લોકો, જેમણે પોતાની જીવનભરની કમાણી આ મકાન
પાછળ ખર્ચી નાખી છે, તેઓ આજે બિલ્ડરની લાપરવાહી અને તંત્રની નિષ્ક્રિયતા સામે લાચાર બનીને રડી રહ્યા છે.
શિવ રેસિડેન્સીના ચાર ટાવરને સુરત મહાનગરપાલિકા દ્વારા ખાલી કરાવવાની નોટિસ મળતા જ રહીશોની હાલત કફોડી થઈ ગઈ
છે. સતત બીજા દિવસે પણ લોકો પોતાની જીવનજરૂરિયાતની વસ્તુઓ, થોડાક કપડાં અને કિંમતી સામાન થેલામાં ભરીને ડૂસકાં
ભરતા ઘરની બહાર નીકળતા જોવા મળ્યા હતા. પાલિકાએ સલામતીના ભાગરૂપે આ ટાવરોને કોર્ડન કરી સીલ મારી દીધું છે અને
ત્યાં ગાર્ડ તૈનાત કરી દેવામાં આવ્યા છે. પોતાના જ ઘરમાં પ્રવેશવા માટે આજે આ લોકોને મંજૂરી લેવી પડી રહી છે. ગેસ અને

વીજળીના કનેક્શન કાપી નાખવાની ચીમકી અને અમુક ટાવરમાં બંધ કરાયેલી સુવિધાઓને કારણે લોકોની હાલાકી વધી છે.
દુર્ઘટનાનો ભોગ બનેલા રીમઝીમ જૈને આંખમાં આંસુ સાથે પોતાની વેદના વર્ણવતા જણાવ્યું કે, 15 વર્ષ પહેલા ઘણાી આશાએ સાથે
આ ઘર લીધું હતું. મારો ફ્લેટ બરાબર એ જ બાજુ છે, જ્યાં જમીન ધસી પડી છે. મારો આખો સંસાર આ ઘરમાં છે. મારા પતિને
પોલિયો છે, ત્રણ ઓપરેશન થયા છે, તેઓ ચાલી શકતા નથી. અત્યારે તેમની પાસે નોકરી પણ નથી. અમારો કોઈ સંબંધી પણ આ
શહેરમાં નથી, અમે ક્યાં જઈએ? મકાન સીલ કરી દીધું છે, અમારી આખી જિંદગીની કમાણી આમાં જતી રહી. અન્ય રહીશ
પ્રિયંકાએ પોતાની વ્યથા જણાવતા કહ્યું કે, અમે માત્ર બે જોડી કપડાં લઈને નીકળ્યા છીએ. બાળકોને હોટેલથી સ્કૂલ મોકલવા પડે છે.
ઘરનો બધો જ સામાન અંદર છે. ગેસ-પાણી બંધ છે, આ સ્થિતિમાં જીવન કેવી રીતે જીવવું? વધુમાં 5 મહિનાની નાની બાળકીની
માતા રાધિકાએ જણાવ્યું કે, બિલ્ડરે રહેવા માટે રૂમ આપ્યા છે, પણ ખાવા-પીવાની કોઈ વ્યવસ્થા નથી. નાની બાળકી સાથે રઝળી
રહ્યા છીએ.
ઘટનાની વિગતો મુજબ, બાજુમાં ચાલી રહેલા પ્રોજેક્ટમાં ત્રણ લેયરનું બેઝમેન્ટ બનાવવા માટે સતત ખોદકામ કરવામાં આવી રહ્યું
હતું. સ્થાનિકોના જણાવ્યા મુજબ, માત્ર 15 ફૂટ પર પાણી આવી ગયું હોવા છતાં બિલ્ડર દ્વારા કામ અટકાવવામાં આવ્યું નહોતું.
24 કલાક 9 જેટલી પાઈપો દ્વારા પાણી ઉલેચવામાં આવતું હતું, જેના કારણે જમીન અંદરથી પોલી થઈ ગઈ હતી. પરિણામે, ડી-
વોલમાં ભંગાણ પડતા શિવ રેસિડેન્સીની કમ્પાઉન્ડ વોલ પત્તાના મહેલની જેમ ધસી પડી હતી. બિલ્ડર દ્વારા આપવામાં આવેલા
હેલ્પલાઈન નંબરો પણ હવે શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહ્યા છે, કારણ કે રહીશોના ફોન કોઈ ઉઠાવતું નથી. દુર્ઘટનાની
ગંભીરતાને જોતા સુરત મહાનગરપાલિકાએ આકરા પગલાં લીધા છે. ડેવલપર તુષાર પોપટલાલ રીબડીયા, આર્કિટેક્ટ સુરેશકુમાર
મોડિયા, સ્ટ્રક્ચરલ એન્જિનિયર જલીલ શેખ અને ક્લાર્ક-સુપરવાઈઝર તેજસ જસાણીના લાયસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ
કરવામાં આવ્યા છે. સમગ્ર બિલ્ડિંગની સ્ટેબિલિટી તપાસવા માટે સાત તજજ્ઞોની ટીમ તૈનાત કરવામાં આવી છે, જે રિપોર્ટ
સોંપશે.સ્થાનિક રહીશ પિયુએ સવાલ ઉઠાવ્યો છે કે, આસપાસના વિસ્તારમાં ચારેબાજુ કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે. જ્યારે રહીશોએ
અગાઉ પાલિકામાં આ જોખમી ખોદકામ બાબતે ફરિયાદો કરી હતી, ત્યારે તંત્ર કેમ ઊંઘતું રહ્યું? બિલ્ડર અને મહાનગરપાલિકાની
મિલીભગત અથવા બેદરકારીનો ભોગ આજે 400 પરિવારો બની રહ્યા છે. હાલ તો આ 400 પરિવારો માટે પોતાના જ ‘ઘર’ પારકા
થઈ ગયા છે. કોઈ સંબંધીને ત્યાં તો કોઈ હોટેલમાં આશરો લઈ રહ્યા છે. આ પરિવારોની એક જ માગ છે કે, તેમને ન્યાય મળે અને
તેમના વર્ષોના સપનાના ઘર સુરક્ષિત રીતે તેમને પાછા મળે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *