રાજકોટ
રાજકોટનાં મોરબી રોડ સ્થિત હડાળા ગામના પાટિયા નજીક આવેલી શિવ પ્લાયવુડ નામની ફેક્ટરીમાં આજે વહેલી સવારે 4 વાગ્યે
ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડા દૂર સુધી દેખાઈ રહ્યા હતા. પ્રાથમિક માહિતી
મુજબ, ફેક્ટરીમાં પ્લાયવુડનો જથ્થો મોટા પ્રમાણમાં હોવાથી આગે ખૂબ જ ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટનાની
જાણ થતાં તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.
આગ લાગવાની જાણ થતાં રાજકોટ ફાયર વિભાગની ટીમ તુરંત ઘટનાસ્થળે દોડી ગઈ હતી. તેમજ આગની ગંભીરતાને જોતા 4થી
વધુ ફાયર ફાઈટરો અને પાણીના ટેન્કરોનો કાફલો બોલવાયો હતો. વહેલી સવારના અંધારામાં અને જ્વલનશીલ પ્લાયવુડના જથ્થાને
કારણે આગને કાબૂમાં લેવાની કામગીરી ફાયર વિભાગ માટે પડકારજનક બની હતી. ફાયર વિભાગના જવાનોએ તાત્કાલિક આગ
બુઝાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. જોકે સતત 5 કલાકની જહેમત બાદ ફાયર ફાઈટરોના પ્રયાસો રંગ લાવ્યા હતા. ફાયર
વિભાગની ટીમે બહાદુરીપૂર્વક કામગીરી કરીને આગ પર લગભગ 80 ટકા જેટલો કાબૂ મેળવી લીધો છે.
હાલમાં જ મળેલી માહિતી મુજબ, હાલમાં બાકીની 20 ટકા આગને સંપૂર્ણપણે બુઝાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે, જેથી કરીને
નુકસાન વધુ ન થાય અને આગ ફરીથી ન ભડકે. આગ બુઝાવવાની કામગીરીમાં ફાયર વિભાગની ટીમ સતત પાણીનો મારો ચલાવી
રહી છે અને કુલિંગની પ્રક્રિયા કરી રહી છે. સદનસીબે આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની થઈ નથી. જોકે પ્લાયવુડનો જથ્થો
મોટા પ્રમાણમાં બળીને ખાખ થતા મોટા નુકસાનની શક્યતા જોવાઇ રહી છે.
સ્ટેશન ફાયર ઓફિસર રહીમ જોબન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આગ વહેલી સવારે 4 વાગ્યે લાગી હતી અને પ્લાયવુડને
કારણે આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ ગઈ હતી. 4થી વધુ ફાયર ફાઈટરોની મદદથી સતત 5 કલાક સુધી કામગીરી કરીને આગને કાબૂમાં
લેવામાં સફળતા મળી છે. જોકે, રાહતની વાત એ છે કે આ ભીષણ આગની ઘટનામાં સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ
નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની સંભાવના છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, આ આગના કારણે ફેક્ટરીમાં રહેલા પ્લાયવુડના મોટા જથ્થાને નુકસાન થયું છે, અને આર્થિક નુકસાન લાખો
રૂપિયામાં થવાનો અંદાજ છે. આગ કાબુ થયા બાદ ફેક્ટરીના માલિકો દ્વારા નુકસાનનો અંદાજ મેળવવાની કામગીરી હાથ ધરવામાં
આવશે. અને આગનું કારણ જાણવા માટે વધુ તપાસ પણ કરવામાં આવશે. હાલ બાકી રહેલી 20% આગ કાબુમાં લેવા માટે તનતોડ
પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેને લઈને ટૂંક સમયમાં આગ કાબુમાં આવે તેવી શક્યતા છે.
રાજકોટમાં પ્લાયવુડ ફેક્ટરીમાં ભીષણ આગ, ફાયરબ્રિગેડે આગ પર મહદઅંશે કાબૂ મેળવ્યો

