અડાલજ-ખોરજ નજીકની નર્મદા કેનાલમાં વૃદ્ધની મોતની છલાંગ, ફાયર ટીમે બહાર કાઢી CPR આપી જીવ બચાવ્યો

સોશિયલ મીડિયા પર શેર કરો

ગાંધીનગર
ગાંધીનગરના અડાલજ-ખોરજ નજીક આવેલી નર્મદા કેનાલમાં અમદાવાદના છારોડી વિસ્તારના એક 54 વર્ષીય વૃદ્ધે અગમ્ય
કારણોસર પડતું મૂકી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે કેનાલના ધસમસતા પ્રવાહમાં તણાઈ રહેલા વૃદ્ધને ગાંધીનગર ફાયર
બ્રિગેડના 11 જવાનોની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી બહાર કાઢીને સમયસર CPR આપીને તેમનો જીવ બચાવી લેવાયો હતો.
ગાંધીનગરના અડાલજ-ખોરજ નજીક આવેલી નર્મદા કેનાલમાં અમદાવાદના છારોડી વૈષ્ણોદેવી સર્કલ પાસે એક સોસાયટીમા રહેતા
54 વર્ષીય વૃદ્ધે છલાંગ લગાવ્યા બાદ બચવાના નિરર્થક પ્રયાસો શરૂ કર્યા હતા. જોકે તેઓ કિનારા તરફ પહોંચવાને બદલે કેનાલની
વચોવચ પહોંચી ગયા હતા અને જીવન-મરણના ઝોલા ખાઈ રહ્યા હતા. દરમિયાન કેનાલમાં કોઈ વ્યક્તિ ડૂબી રહ્યું હોવાનું જોઈને
રાહદારીઓ એકઠા થયા હતા અને તાત્કાલિક ગાંધીનગર ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ત્યારે સિનિયર ફાયર ઓફિસરની ગેરહાજરીમાં
જ પ્રથમ સરગાસણ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. જોકે ઉપરથી શાંત દેખાતી કેનાલના નીચેના પાણીનો પ્રવાહ
ખૂબ જ ધસમસતો હોવાથી અને વૃદ્ધ વચોવચ ફસાયેલા હોવાથી વધુ મદદની જરૂર પડી હતી. જેના તાત્કાલિક સેક્ટર 17 ફાયર
બ્રિગેડની ટીમને પણ કેનાલ પર રવાના કરવામાં આવી હતી. બાદમાં સરગાસણ અને સેક્ટર 17 ફાયર બ્રિગેડની કુલ 11 જવાનોની
ટીમે ભારે જહેમત બાદ વૃદ્ધને અર્ધબેભાન હાલતમાં કેનાલમાંથી જીવતા બહાર કાઢી લીધા હતા. કેનાલમાં પડવાના કારણે વૃદ્ધના
પેટમાં પાણી પણ જતું રહ્યું હતું. આમ વૃદ્ધની નાજુક સ્થિતિ પારખીને ફાયર બ્રિગેડના જવાનોએ તુરંત CPR આપવાનું શરૂ કર્યું હતું.
અને ફાયર જવાનોના સમયસરના આ પગલાથી વૃદ્ધનો જીવ બચી ગયો હતો. બાદમાં વૃદ્ધને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા
સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. દરમિયાન વૃદ્ધ ના દીકરાને આ ઘટનાની જાણ થતાં તે પણ
હોસ્પિટલ પહોંચી ગયો હતો. આ મામલે પોલીસે વૃદ્ધે કયા કારણોસર આપઘાતનો પ્રયાસ કર્યો તે જાણવા માટે આગળની કવાયત શરૂ
કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *