અડાલજ-ઝુંડાલ રોડ પર વર્ષો જૂનું ધાર્મિક દબાણ ધ્વસ્ત, વિરોધના પગલે ગુપ્ત ઓપરેશન પાર પાડ્યું

સોશિયલ મીડિયા પર શેર કરો

રોડ પહોળો કરવાની કાર્યવાહી હેઠળ ધાર્મિક દબાણો હટાવવાની બીજી મોટી કાર્યવાહી

ગાંધીનગર

ગાંધીનગરના મુખ્ય માર્ગોને પહોળા કરવાની વહીવટી તંત્રની કામગીરીના ભાગરૂપે આજે બુધવારે અડાલજ-ઝુંડાલ રોડ પર આવેલું વર્ષો જૂનું ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યું છે. પોલીસ સુરક્ષા કવચ હેઠળ રોડની કામગીરીમાં અવરોધરૂપ આ ધાર્મિક દબાણને હટાવવા માટે તંત્ર દ્વારા વહેલી સવારે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વહીવટી તંત્રએ જણાવ્યું હતું કે, રોડને પહોળો કરવાની કામગીરી ચાલી રહી હોવાથી જનહિતમાં આ વર્ષો જૂનું ધાર્મિક દબાણ હટાવવામાં આવ્યું છે.

અડાલજ ખાતે બાલાપીર સર્કલ નજીક સ્થિત આ ધાર્મિક દબાણ મુખ્ય રોડ પર હતું. ​કોઈ અનિચ્છનીય બનાવ કે વિરોધ ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહીનું ગુપ્ત રીતે આયોજન કરવામાં આવ્યું હતું. આજે વહેલી સવારે મામલતદાર સહિતના તમામ સંબંધિત અધિકારીઓ ઘટનાસ્થળે હાજર રહ્યા હતા. સમગ્ર કામગીરી દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી કોઈ સંઘર્ષની સ્થિતિ ઊભી ન થાય.

​ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર શહેરમાં ધાર્મિક દબાણો હટાવવાની આ બીજી મોટી કાર્યવાહી છે. થોડા દિવસો અગાઉ પણ પોલીસ રક્ષણ હેઠળ પાટનગર યોજના વિભાગ દ્વારા સેક્ટર-30 સર્કલ પાસે મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં બે ધાર્મિક તેમજ સાતેક ગેરકાયદેસર કાચા-પાકા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આજના દબાણ હટાવવાની કામગીરી દ્વારા વહીવટી તંત્રએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે, જાહેર માર્ગોના વિકાસમાં ગેરકાયદેસર દબાણો ભલે તે ધાર્મિક હોય તે ચલાવી લેવામાં આવશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *