કોપી કેસમાં પકડાયેલા 89 વિદ્યાર્થીઓને 2 લાખનો દંડ

સોશિયલ મીડિયા પર શેર કરો

હવે વિદ્યાર્થીઓને દંડ સાથે ‘ભગવદ્ ગીતા’ અપાશે, VNSGUની અનોખી સજા

સુરત

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષામાં ગેરરીતિ કરનારા વિદ્યાર્થીઓ માટે સજા અને સુધારણાનો અનોખો માર્ગ અપનાવ્યો છે. હાલ યુનિવર્સિટી દ્વારા કોપી કેસમાં પકડાયેલા 89 વિદ્યાર્થીઓને આકરો બે લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે, હવે કોપી કરનાર આવા વિદ્યાર્થીઓના ભવિષ્યના જીવનમાં નૈતિક મૂલ્યોનું સિંચન થાય તે હેતુથી ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’ અર્પણ કરવામાં આવશે. આ સાથે ગીતાના સિદ્ધાંતો આધારિત વિશેષ કાઉન્સિલિંગ પણ કરવામાં આવશે, જેથી તેઓ ફરી ક્યારેય કોપી જેવા અનૈતિક કૃત્ય ન કરે. યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર કિશોરસિંહ ચાવડાએ આપેલી માહિતી મુજબ, યુનિવર્સિટીની પરીક્ષામાં આશરે 1.25 લાખ વિદ્યાર્થીઓએ 250 કેન્દ્રો પર પરીક્ષા આપી હતી. આ પરીક્ષાઓ દરમિયાન કુલ 89 જેટલા વિદ્યાર્થીઓ કાપલી કે વિવિધ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેજેટ્સની મદદથી કોપી કરતાં પકડાયા હતા. ગેરરીતિ બદલ આ તમામ વિદ્યાર્થીઓ પાસેથી કુલ રૂ. 2 લાખ જેટલો દંડ વસૂલવામાં આવ્યો છે.

વી.સી. કિશોરસિંહ ચાવડાએ આ પહેલનો હેતુ સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે, દંડ તો કરવામાં આવ્યો છે, પરંતુ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં ગેરરીતિ ન કરે તે ખૂબ જરૂરી છે. આ માટે ભવિષ્ય કોપી કારણે તમામ વિદ્યાર્થીઓને શ્રીમદ્ ભગવદ્ ગીતા આપવામાં આવશે. ગીતામાં રહેલા સિદ્ધાંતો, કર્મનો સંદેશ અને નૈતિક મૂલ્યોનું તેમને માર્ગદર્શન મળે તે હેતુથી તેમનું ખાસ કાઉન્સિલિંગ પણ કરવામાં આવશે. આનાથી તેઓ માત્ર પરીક્ષામાં જ નહીં, પરંતુ જીવનના દરેક ક્ષેત્રમાં સન્માન અને ઈમાનદારીથી વર્તે તેવો યુનિવર્સિટીનો આશય છે.

ગેરરીતિના કેસોની તપાસ માલપ્રેક્ટિસ ઇન્કવાયરી કમિટી દ્વારા હાથ ધરવામાં આવી હતી. આ કમિટીએ તમામ વિદ્યાર્થીઓને રૂબરૂ સાંભળીને તેમની સામેના આરોપોની તપાસ કરી હતી. જે 42 વિદ્યાર્થીઓ સુનાવણીમાં ગેરહાજર રહ્યા હતા, તેમની સામે યુનિવર્સિટી નિયમો મુજબ આગળની કાર્યવાહી કરશે. જો જરૂરી જણાશે તો તેમને બીજી સુનાવણી માટે બોલાવવામાં આવશે અથવા ઉપલબ્ધ પુરાવાઓના આધારે કમિટી દ્વારા ચુકાદો આપવામાં આવશે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની આ પહેલ શિક્ષણ જગતમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો પ્રયાસ છે, જ્યાં માત્ર સજા નહીં પણ સદભાવના અને નૈતિકતાનું શિક્ષણ આપવામાં આવે છે.

ગેરરીતિના કેસોની વિગત:

કાપલીનો ઉપયોગ: 32 વિદ્યાર્થીઓ

આધુનિક/ઇલેક્ટ્રોનિક ગેજેટ્સનો ઉપયોગ (કેલ્ક્યુલેટર, ફોન): 12 વિદ્યાર્થીઓ

ગેરહાજર રહ્યા: 42 વિદ્યાર્થીઓ (જેમની સામે યુનિવર્સિટીના નિયમો મુજબ કાર્યવાહી થશે.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *