મહેસાણા
મહેસાણા જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક કાર્યવાહીમાં અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશન ખાતે 50 લાખની ધાડ પાડવાના પૂર્વ-આયોજિત કાવતરાનો પર્દાફાશ કર્યો છે. કાવતરામાં સામેલ આઠ આરોપીઓ પૈકી ચાર શખ્સોને 2 પિસ્તોલ અને ચોરીના વાહન સાથે ઝડપી પાડ્યા છે. પોલીસે વિસનગર તાલુકા પોલીસ મથકમાં તમામ સામે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. મહેસાણા LCB પોલીસ સ્ટાફ રાત્રિ પેટ્રોલિંગમાં હતો ત્યારે દુધ સાગર ડેરી આગળ PSI એમ. ડી. ડાભીની ટીમના ASI ડાહ્યાભાઇ ગણેશભાઇને ખાનગી બાતમી મળી હતી. બાતમી અનુસાર, ભાન્ડુ ગામના ગેટ નજીક ચાર માણસો એક મોટરસાઇકલ સાથે હાજર હતા અને તેઓ અન્ય સાથીદારો સાથે મળીને કાલુપુર રેલ્વે સ્ટેશન પર આંગડિયા લૂંટ કરવાનો પ્લાન ધરાવતા હતાં. આ લૂંટ માટે તેઓ બે પિસ્તોલ પણ લાવ્યા હતા.
બાતમીની ખાતરી કરવા માટે પોલીસ ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને ભાન્ડુ ગામના ગેટ નજીક સર્વિસ રોડ પર પહોંચી હતી. પોલીસને જોઈને હાજર ચારેય શખ્સો ભાગવા લાગ્યા હતાં, જોકે પોલીસ સ્ટાફે તેમને તે જ સ્થિતિમાં ઝડપી પાડ્યા હતાં. પોલીસે આરોપીઓ પાસેથી મોટરસાઇકલ જપ્ત કરી હતી, જેના પર ખોટી નંબર પ્લેટ (GJ-05-KH-2787) લગાવેલી હતી. મોટરસાઇકલના એન્જિન અને ચેચીસ નંબરના આધારે તપાસ કરતાં તેનો સાચો રજિસ્ટ્રેશન નંબર GJ-02-BG-2224 નો હોવાનું અને આ વાહન અગાઉ ઉનાવા ખાતેથી ચોરી થયું હોવાનું બહાર આવ્યું હતું. વધુ પૂછપરછમાં, મુખ્ય આરોપી ઠાકુર ગણપત રામકરણની કબૂલાત મુજબ, તેના ભાડાના મકાનમાં ઘઉં ભરેલી પ્લાસ્ટિકની થેલીમાં સંતાડેલી બે દેશી બનાવટની પિસ્તોલ અને 9 રાઉન્ડ મળી આવ્યા હતા. રાધેશ્યામ મોતીરામ બાવરીએ આ ગેરકાયદેસર હથિયારો અજમેરથી આગળ કેકડી ગામેથી એક અજાણ્યા શખ્સ પાસેથી લાવ્યા હોવાનું જણાવ્યું હતું. જપ્ત કરાયેલ બંને પિસ્તોલની કુલ કિંમત 58,000 છે.
વોન્ટેડ આરોપી ઠાકોર આકાશજી અને આશિષ ઠાકોર અગાઉ આંગડીયામાં કામ કરી ચુક્યા હતાં. આ બને વોન્ટેડ આરોપીઓને ખબર હતી કે સુરતથી એક આંગડિયાકર્મી રૂપિયા લઈ ટ્રેન મારફતે અમદાવાદ કાલુપુર સ્ટેશન આવવાનો છે. આ બાબતે લૂંટ કરનાર ગેંગ અગાઉ એક બે વખત સ્ટેશન ખાતે રેકી પણ કરી આવ્યા હતાં. લૂંટ કરવા માટે વોન્ટેડ આરોપીઓ 10 વર્ષથી ભાડું ગામમાં રહેતા અને ટાઇલ્સ ફિટીંગનું કામ કરતા ઠાકુર ગણપત સાથે મુલાકાત કરી સમગ્ર લુંટ કરવા માટે પ્લાન બનાવ્યો હતો. જેમાં લૂંટની ઘટનાને અંજામ આપવા માણસોની અને હથિયારની જરૂર પડતા વોન્ટેડ ગુજરાતી આરોપીઓએ ગણપત ઠાકુરને જાણ કરતા ગણપત ઠાકુરે રાજસ્થાનના રાધેશ્યામ બાવરી, જીતેન્દ્ર બાવરી, ઠાકોર અલ્પેશજી, મુન્નો બાવરી, બનવારી બાવરીને લૂંટ કરવા બોલાવ્યા હતા. આરોપીઓએ રેકી કર્યા પ્રમાણે સુરતથી અમદાવાદ રેલવે સ્ટેશન રૂપિયા લઈ આવનારો આંગડિયાકર્મી વહેલી સવારે ચાર વાગ્યે જેવો સ્ટેશન બહાર આવે અને કોઈ ગાડીમાં બેસે ત્યારબાદ લૂંટારુઓ પોતાના વાહન આડા કરી બંદૂક વડે ફાયરીગ કરી આંગડિયા પેઢીના કર્મીને લૂંટવાનો પ્લાન ઘડ્યો હતો. પકડાયેલ આરોપી રાધેશ્યામ મોતીરામ બાવરી અંગે રાજસ્થાનના પાદુકલા પોલીસ સ્ટેશન ખાતે તપાસ કરવામાં આવતાં, તેની વિરુદ્ધ આજદિન સુધીમાં ચોરી, ઘરફોડ ચોરી અને ધાડના કુલ 9 ગુના રજીસ્ટર થયેલા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે.પોલીસે પકડાયેલ ચારેય આરોપીઓ તેમજ ફરાર થયેલા અન્ય ચાર આરોપીઓ વિરુદ્ધ સંયુક્ત રીતે વિસનગર તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

