વેરાવળ
ગીર સોમનાથ જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા દારૂબંધીના કાયદાનો ભંગ કરતા તત્વો સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજે (19 નવેમ્બર, બુધવાર) વહેલી સવારે વેરાવળ શહેરમાં SMCની ટીમે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડીને ₹44.23 લાખની કિંમતનો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, SMCને બાતમી મળી હતી કે, વેરાવળની હુડકો સોસાયટી નજીક ટેન્કરમાં ગુપ્ત રીતે વિદેશી દારૂનો જથ્થો ઉતારવામાં આવવાનો છે. આ બાતમીના આધારે વહેલી સવારે લગભગ 5 વાગ્યે દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે એક ટેન્કરને ઝડપી પાડ્યું હતું, જેમાં ખાસ બનાવેલા ‘ચોરખાના’માં વિદેશી દારૂની કુલ 19,375 બોટલ છુપાવવામાં આવી હતી. આ જથ્થાની કિંમત ₹44,23,220/- આંકવામાં આવી છે.
SMC દ્વારા દારૂ ઠલવાય તે પહેલાં જ સફળતાપૂર્વક આ જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. દારૂની આ ખેપ હિમાચલપ્રદેશ, ઉત્તરપ્રદેશ, દમણ અને નાસિકની જાણીતી ડિસ્ટિલરીઓમાં બનેલી હોય અને માત્ર દાદરા-નગર હવેલી તથા દમણ-દિવ માટે જ વેચાણ યોગ્ય હતી. SMC દ્વારા આ પ્રકરણમાં વિદેશી દારૂના જથ્થા (₹44.23 લાખ) ઉપરાંત એક ટેન્કર, એક સ્કોર્પિયો કાર અને એક બોલેરો કાર સહિત કુલ ₹85,61,720/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. SMCની કાર્યવાહીમાં કુલ ત્રણ આરોપી ઝડપાયા છે, જે તમામ ગીર સોમનાથના વેરાવળ વિસ્તારના રહેવાસી છે. જ્યારે આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય 11 આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. તેમાં દમણમાંથી IMFL સપ્લાય કરનાર અજાણ્યો સપ્લાયર, તેમજ જુનાગઢના રવિ હમીરભાઈ ભરાઈ, બહાદુર દિલુભાઈ બાબરિયા અને જયેશ ઉર્ફે જય મૂલિયાસિયા સહિતના ગુનેગારોનો સમાવેશ થાય છે. તેમાંના કેટલાકના પૂર્વ ગુનાહિત રેકોર્ડ પણ છે.
હાલ SMC દ્વારા આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ 65(A)(E), 81, 83, 98(2), 116(B) તથા ભારતીય ન્યાય સંહિતા – 2023ની કલમ 111(3) અને 111(4) હેઠળ ગુનો દાખલ કરાયો છે. ઝડપાયેલા ત્રણેય આરોપી સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે, આ નેટવર્કમાં અન્ય કોણ કોણ સામેલ છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી PI પી.પી. બ્રહ્મભટ્ટ (SMC)ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલે થોડાં સમય અગાઉ જ ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના બેડીયા ગામે પણ મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. જિલ્લામાં SMCની આ સતત બીજી મોટી કાર્યવાહી છે, જે દર્શાવે છે કે દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા તત્વો સુધી પહોંચવા માટે તપાસ અને કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે.
આ દારૂનો જથ્થો મંગાવનાર અને વેરાવળના કુખ્યાત બુટલેગર સહિત ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે:
રેનીશ કાસમ કાપડિયા (નામચીન બુટલેગર)
પાર્થ ગીરીશ રૂધાણી
ધર્મેશ નરસિંહ ખાપંડી
અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્ય આરોપી રેનીશ કાસમ કાપડિયા વિરુદ્ધ અગાઉ પણ દારૂબંધીના અનેક ગુનાઓ નોંધાયેલા છે.
વાહનો, મોબાઇલ, રોકડ સહિતનો મોટો જથ્થો સીઝ
4 વાહન (કિંમત ₹41,00,000)
5 મોબાઇલ ફોન (કિંમત ₹30,000)
રોકડ (₹7,800)
અન્ય મુદ્દામાલ (₹700)

