સમગ્ર દેશમાંથી SC/ST સમુદાયના 200 સફળ ઉદ્યોગપતિઓ એક મંચ પર
ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન, દેશમાંથી 200 ઉદ્યોગપતિઓ માર્ગદર્શન આપશે
ગાંધીનગર
નયી દિશા અવેરનેસ ફોરમ સંચાલિત SC/ST બિઝનેસ સમિટ ઇન્ડિયા ટીમ દ્વારા આગામી 21મી ડિસેમ્બરના રોજ બીજો રાષ્ટ્રીય મેગા બિઝનેસ એક્સ્પો-સમિટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મેગા સમિટ એન્ટરપ્રિનિયરશિપ ડેવલોપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (EDII), ભાટ, અમદાવાદ ખાતે યોજાશે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય SC/ST સમુદાયના યુવાનોને નવા ઉદ્યોગ-ધંધા શરૂ કરવા માટે પ્રેરિત કરવાનો અને સમાજને સમૃદ્ધિના સોપાનો તરફ અગ્રેસર કરવાનો છે.
નયી દિશા અવેરનેસ ફોરમ સંચાલિત SC/ST બિઝનેસ સમિટ ઇન્ડિયા ટીમ દ્વારા આગામી 21મી ડિસેમ્બરના રોજ બીજો રાષ્ટ્રીય મેગા બિઝનેસ એક્સ્પો-સમિટનું આયોજન કરાયું છે.
આ એક્સ્પોમાં સમગ્ર દેશમાંથી SC/ST સમુદાયના 200 જેટલા સફળ ઉદ્યોગપતિઓને એક મંચ પર આમંત્રિત કરવામાં આવ્યા છે. તેઓ પોતાની સફળ ઉદ્યોગપતિ બનવાની પથની વિગતો નવયુવાનો સમક્ષ રજૂ કરીને માર્ગદર્શક બનશે.
આ કાર્યક્રમ થકી ગુજરાત અને દેશભરમાંથી આવનારા નવયુવકોને પોતાનો વ્યવસાય કે ઉદ્યોગ ઉભો કરવામાં પ્રેરણાત્મક બળ પૂરું પાડશે.સમિટમાં 150 જેટલા સફળ ઉદ્યોગોના સ્ટોલ/એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં તેમના ઉત્પાદનોનું પ્રદર્શન-નિદર્શન કરવામાં આવશે. આનાથી નવા ઉદ્યોગ સાહસિકોને ઉત્પાદન પ્રક્રિયા, માર્કેટિંગ અને વેચાણ અંગે પ્રેરક બળ મળશે.
આ સમિટ ઉદ્યોગ ધંધામાં પદાર્પણ કરવા ફ્રેન્ચાઇઝી મેળવવામાં, રો-મટીરીયલની પ્રાપ્તિ, ઉત્પાદિત માલસામાનના વેચાણની સગવડતાઓ તથા હાલના વ્યવસાયોને મૂલ્યવર્ધક ઉત્પાદન તરફ અગ્રેસર કરવામાં મદદરૂપ થશે. આ અંગે ફોરમના ડાયરેક્ટર અને SC/ST બિઝનેસ સમિટ ઇન્ડિયા ટીમના પ્રમુખ રાજેશ સોલંકીએ જણાવાયું છે કે, આ અવસર સમાજના દરેક યુવાન ભાઈઓ-બહેનો તેમજ વડીલો કે જેઓ તેમના સંતાનો માટે નવો ઉદ્યોગ શરૂ કરવાનું વિચારી રહ્યા છે, તેમના માટે ખૂબ જ હિતાવહ રહેશે. આ સમિટમાં 1 હજારથી વધુ ઉદ્યોગપતિઓ અને 20 હજારથી વધુ મુલાકાતીઓ આવવાનો અંદાજ છે.

