અમદાવાદમાં 31 ડિસેમ્બર સુધીમાં રોડના કામો પૂરા કરો, કોન્ટ્રાક્ટરો ગુણવત્તાયુક્ત રોડ બનાવે તેનું ધ્યાન રાખવું

સોશિયલ મીડિયા પર શેર કરો

અમદાવાદ

તાજેતરમાં જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાનગરપાલિકાના કમિશનરો અને મેયર સાથે વીડિયો કોન્ફરન્સથી બેઠક કરીને શહેરના તમામ રોડ રસ્તાઓને ગુણવત્તાયુક્ત બનાવવા માટેની સૂચના આપી હતી. મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના રોડ રસ્તાની કામગીરીને લઈને ઝડપ દેખાડવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા રોડ બનાવવાની કામગીરીમાં જાતે નિરીક્ષણ કરી ગુણવત્તાયુક્ત રોડ બનાવવા તેમજ બાકી રહેલા રોડ 31 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવા માટેની કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓને સૂચના આપી છે.

મ્યુનિસિપલ કમિશનરે દક્ષિણ–પશ્ચિમ ઝોનના જોધપુર વોર્ડ વિસ્તારમાં, એસ.જી. હાઇવે પાસે આવેલા નિર્વાણા પાર્ટી પ્લોટથી સરદાર પટેલ રિંગ રોડ તરફ તાજેતરમાં ખોલવામાં આવેલા 30 મીટર પહોળા નવા માર્ગ પર ચાલી રહેલી હોટ મિક્સ રોડ સરફેસિંગ કામગીરીનું સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું હતું. હોટ મિક્સ રોડ વર્કની કામગીરી દરમિયાન કમિશનરે સેન્સર પેવરથી રોડના યોગ્ય કેમ્બરની તપાસ, હોટમિક્સ મટિરિયલનું માનક તાપમાન જળવાય છે કે નહીં તેની ચકાસણી, તેમજ અન્ય મહત્વના ટેક્નિકલ પરિબળોની સમીક્ષા કરી હતી.

કમિશનરે સ્થળ પર હાજર ઇજનેરો અને અધિકારીઓને શહેરમાં ચાલતા રોડના કામો દિવસ અને રાત ચાલુ રાખવા તેમજ ગુણવત્તાનાં દરેક ધોરણોનું પાલન સુનિશ્ચિત કરવા સ્પષ્ટ સૂચનાઓ આપી છે. રોડ બનાવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેમાં તાપમાન એક વખત સેટ કર્યા બાદ આધુનિક મશીન દ્વારા કામગીરી થતી હોય છે જેથી તમામ બાબતો ઉપર નિરીક્ષણ કરીને સૂચના આપવામાં આવી છે. કોન્ટ્રાક્ટરો પોતાના કામો ગુણવત્તા યુક્ત કરે અને ફિલ્ડમાં રહી તેના ઉપર ધ્યાન રાખે તેવી પણ સૂચના અધિકારીઓને આપી હતી.

મુખ્યમંત્રી સાથે થયેલી બેઠક બાદ કમિશનરે તમામ ઝોન અને રોડ પ્રોજેક્ટ વિભાગના ઇજનેરો સાથે બેઠક કરીને શહેરના વિવિધ વિસ્તારોમાં જ્યાં પણ રોડ બાકી છે ત્યાં ઝડપી કામગીરી પૂર્ણ કરવા સૂચના આપી છે. જે પણ રોડ પર ખાડા પડ્યા છે અથવા રીસરફેસ કરવાની જરૂરિયાત છે ત્યાં તાત્કાલિક રીસરફેસ કરવા માટે જણાવ્યું હતું. 31 ડિસેમ્બર સુધીમાં બાકી 200 જેટલા રોડ પુરા કરવા માટે જણાવ્યું છે અત્યાર સુધીમાં 32 જેટલા રોડની કામગીરી પૂર્ણ થઈ છે. હાલમાં અમદાવાદ શહેરમાં 13 પ્લાન્ટ દિવસ-રાત કાર્યરત છે. એટલું જ નહીં દરરોજ સરેરાશ 6500થી 7000 મેટ્રિક ટન રિસરફેસિંગનું કામ ચાલી રહ્યું છે.

મ્યુનિસિપલ કમિશનરે નિરીક્ષણ કરેલા એસજી હાઇવે પર એસપી ઓફિસની સામેથી સરદાર પટેલ રિંગ રોડ તરફ જવા માટેનો નવો 30 મીટરનો રોડ તૈયાર થતા એસ.જી. હાઇવે અને એસપી રીંગ રોડ વચ્ચેની કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે, તેમજ એસ.જી. હાઇવે પરનું ટ્રાફિક ભારણ નોંધપાત્ર રીતે ઘટાડવામાં મદદ મળશે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની સાથે રોડ વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મીરાંત પરીખ, સીટી ઇજનેર હરપાલસિંહ ઝાલા અને રોડ પ્રોજેક્ટ વિભાગના એડિશનલ સિટી ઇજનેર પ્રણય શાહ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *