અમરેલી,
અમરેલીના લાઠીમાં કપાસની આડમાં કરવામાં આવેલી ગાંજાની ખેતી પોલીસે ઝડપી પાડીને આરોપીને પણ જેલના સળીયા ગણતો કરી દીધો છે. અમરેલીના લાઠી પંથકમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG)એ મોટી કાર્યવાહી કરીને ગાંજાના વાવેતરનો ભંડાફોડ કર્યો છે. લાઠીના કેરાળા ગામથી મતીરાળાની સીમ વિસ્તારમાં આવેલી એક વાડીમાંથી 48 લીલા ગાંજાના છોડ સહિત કુલ 155 કિલો અને 865 ગ્રામ ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે. આ મુદ્દામાલની કિંમત આશરે 77 લાખ 93 હજાર 250 રૂપિયા જેટલી આંકવામાં આવી છે. આ કાર્યવાહીમાં આરોપી છના હરી પંચાલાને પણ ઝડપી લેવાયો છે.
પ્રાથમિક માહિતી મુજબ, SOGની ટીમને બાતમી મળી હતી કે અમરેલીના કેરાળા ગામથી મતીરાળાની સીમ વિસ્તારમાં આવેલી એક વાડીમાં મોટા પાયે ગાંજાનું ગેરકાયદે વાવેતર કરવામાં આવ્યું છે. બાતમીના આધારે SOGની ટીમે ઘટના સ્થળે રેડ કરી હતી. જેમાં તપાસ દરમિયાન ટીમને ખેતરમાં કપાસના પાકની વચ્ચે છૂપાવેલા ગાંજાના લીલા છોડ મળી આવ્યા હતા.
SOGની ટીમે ગુપ્ત માહિતીના આધારે કેરાળા ગામની આ વાડી પર દરોડો પાડ્યો હતો. જ્યાં આરોપીએ ખેતરમાં મોટા પાયે ગાંજાનું વાવેતર કર્યું હતું. લીલા ગાંજાના છોડ અને મોટા પ્રમાણમાં ગાંજો જોઈ પોલીસ પણ ચોંકી ગઈ હતી. આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો પરંતુ SOGની તત્પરતાથી તેને ઝડપી લીધો હતો.
આ ઘટનાએ લાઠી પંથકમાં ખળભળાટ મચાવી દીધો છે. અમરેલી SOGએ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે, જેથી ગાંજાના આ ગેરકાયદે વાવેતર સાથે જોડાયેલા અન્ય લોકોનો પણ પર્દાફાશ થઈ શકે છે. આ કાર્યવાહીથી નશીલા પદાર્થોની હેરાફેરી સામે પોલીસની કડક કાર્યવાહીનો સંદેશો પણ સ્પષ્ટ થયો છે.

