અમદાવાદ,
છેલ્લા ઘણા સમયથી પડતર પ્રશ્નો અને માંગણીઓના ઉકેલ માટે આજે ભારતીય મજદૂર સંઘ (BMS) ના નેજા હેઠળ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે વિશાળ ‘શ્રમિક આક્રોશ રેલી’નું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય મજદૂર સંઘ સાથે જોડાયેલાં 161 યુનિયનો અને મહાસંઘના હજારો કાર્યકરો બહોળી સંખ્યામાં ‘ભારત માતા કી જય’ ના નારા સાથે ઉમટી પડ્યા હતા અને સરકાર સામે ઉગ્ર દેખાવો કર્યા હતા. બીજી તરફ, પગાર વધારા મુદ્દે હાઇકોર્ટના આદેશનું પાલન ન થતાં આંગણવાડી બહેનોએ પણ આંદોલન ઉગ્ર બનાવ્યું છે અને આગામી ૧લી ડિસેમ્બરથી 1000 બહેનોની ભૂખ હડતાળનું એલાન કર્યું છે. વિવિધ યુનિયનો પોતપોતાના કર્મચારીઓ સાથે નાની-નાની રેલી સ્વરૂપે રિવરફ્રન્ટ પર પહોંચ્યા હતા, જ્યાં આ તમામ રેલીઓ એક મહાસંમેલનમાં ફેરવાઈ હતી. દરેક સંગઠને પોતાના પડતર પ્રશ્નોને લઈને સરકારની નીતિઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
ભારતીય મજદૂર સંઘના પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે, શ્રમિકોના વિવિધ પ્રશ્નોને લઈને કુલ 14 પ્રકારના આવેદનપત્રો તૈયાર કરવામાં આવ્યા છે. આ તમામ આવેદનપત્રો આજે સાંજે મુખ્યમંત્રી સહિત રાજ્યના તમામ મંત્રીઓને સુપરત કરવામાં આવશે. તેમણે સ્પષ્ટ ચેતવણી ઉચ્ચારતા કહ્યું કે, ‘જો સરકારની આંખ નહીં ખૂલે અને અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે, તો આગામી સમયમાં શ્રમિકોનો આ આક્રોશ પરાકાષ્ઠાએ જશે.’
ભારતીય મજદૂર સંઘે જણાવ્યું કે, આશા વર્કરો, એસટી કર્મચારીઓ, બાંધકામ શ્રમિકો અને અન્ય ક્ષેત્રોના કામદારોના પ્રશ્નોનું નિરાકરણ ન આવતાં આ ‘આક્રોશ રેલી’ યોજવામાં આવી છે. આ રેલીમાં રાજ્યભરમાંથી હજારો કર્મચારીઓ અને શ્રમિકો ઉમટી પડ્યા છે.
વિશાળ જનમેદનીને ધ્યાનમાં રાખીને અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા વાડજ સ્મશાનગૃહથી માંડીને આંબેડકર બ્રિજ સુધીનો રિવરફ્રન્ટનો માર્ગ વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે અને વૈકલ્પિક માર્ગો પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.
આંગણવાડી બહેનોનો મુદ્દો પણ ચરમસીમાએ પહોંચ્યો છે. તાજેતરમાં અમદાવાદમાં મેમ્કો સર્કલ નજીક વીર સાવરકર રમત ગમત સંકુલમાં મોટી સંખ્યામાં બહેનોએ એકઠા થઈ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. પડતર માંગણીઓને લઇને આંગણવાડી બહેનો રસ્તા પર ઉતરી હતી. અમદાવાદમાં મેમ્કો સર્કલ નજીક વીર સાવરકર રમત ગમત સંકુલના મેદાનમાં આંગણવાડી બહેનોએ સરકારવિરોધમાં સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યુ હતું. એટલુ જ નહીં, 1લી ડિસેમ્બરથી એક હજાર આંગણવાડી બહેનો ભૂખ હડતાલ ઉતરવા એલાન કર્યુ છે.
ગુજરાત હાઇકોર્ટે વર્ષ 2024 ઓગસ્ટ મહિનામાં આંગણવાડી વર્કરોને રૂા.24,800 તથા હેલ્પરને રૂા.20,300 વેતન આપવા આદેશ કર્યો હતો. આમ છતાંય રાજ્ય સરકાર હાઇકોર્ટના આદેશનું પાલન કરવા તૈયાર નથી. આંગણવાડી બહેનોનું કહેવુ છેકે, આઇસીડીએસ યોજનામાં આંગણવાડી વર્કરોની સક્રિય ભૂમિકા ભજવશે. છેલ્લા એક વર્ષથી વધુ સમય વિત્યો છે તેમ છતાંય આંગણવાડી બહેનોના પગારને લઇને સરકારના પેટનુ પાણી હાલતુ નથી. આ ઉપરાંત નિવૃત વય મર્યાદા 60 વર્ષ કરવાની માંગ કરાઇ છે.
આંગણવાડી બહેનોને બદલીની તક આપો સાથે સાથે તાત્કાલિક ધોરણે મોબાઇલ ફોન આપવા પણ સરકારમાં રજૂઆત કરાઇ છે. આમ છતાંય પડતર માંગોને લઇને સરકારે ઘ્યાન આપ્યુ નથી. વારંવાર દેખાવો,રેલી અને વિરોધ પ્રદર્શન કર્યા પછી પણ મંત્રી કે સચિવે મંત્રણા માટે તૈયારી દર્શાવી નથી. એવો આક્ષેપ કરવામાં આવ્યો છેકે, આંગણવાડી બહેનોની રેલી માટે રિવરફ્રન્ટ પર પ્લોટ ભાડે રખાયો હતો તે માટે રૂા.42 હજાર ફી પણ ભરવામાં આવી હતી પણ છેલ્લી ઘડીએ મ્યુનિ.કોર્પોરેશન પ્લોટ ભાડે આપવા ઇન્કાર કરી દીધો હતો.
ગુજરાત રાજ્ય આંગણવાડી કર્મચારી સંગઠને એલાન કર્યું છે કે, જો તાત્કાલિક પ્રશ્નો નહીં ઉકેલાય તો આગામી 1 થી 10 ડિસેમ્બર સુધી એક હજાર આંગણવાડી બહેનો ભૂખ હડતાળ પર ઉતરી વિરોધ નોંધાવશે. આ ઉપરાંત, આગામી સમયમાં ગાંધીનગર ચક્કાજામનો કાર્યક્રમ યોજવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

