સુરત,
ભાજપમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે શહેર ભાજપ પ્રમુખની નિમણુંક બાદ તેઓ પોતાની સંગઠનની ટીમ નક્કી કરવામાં આવે છે ત્યારે આ વખતે શહેર પ્રમુખ પદે પરેશ પટેલની નિમણુંક કરી દેવામા આવી હતી પરંતુ સંગઠનનું માળખું જાહેર કરાયું ન હતું. પ્રદેશ પ્રમુખ પદેથી સી.આર.પાટીલની વિદાય અને જગદીશ વિશ્વકર્માની નિમણુંક થતા સંગઠનના માળખાની રચના માટે ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે.
સુરતમાં સંગઠનની રચના પ્રમુખના માનીતા નહી પરંતુ શહેરના ધારાસભ્ય, સંસદસભ્ય સહિતના ભાજપના મહત્વના ગણાતા હોદ્દેદારો કે ચૂંટાયેલા પ્રતિનિધિઓના સેન્સ લેવાનો નિર્ણય કરાયો છે. પહેલી વખત સેન્સ લેવાનો નિર્ણય થતા અનેક અટકળો શરૂ થઈ છે. આજે શહેર ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ ભાજપના બે નિરીક્ષક શબ્દશરણ બ્રહ્મભટ્ટ અને સુધીર લાલપુરવાળા ભાજપ કાર્યાલય પર પહોંચ્યા હતા અને તેઓએ સુરતના સાંસદ, ધારાસભ્ય અને પુર્વ પ્રમુખ, સહિત જે અપેક્ષિત હાજર હતા તેની સાથે સંગઠનના હોદ્દા માટે ઉંડાણપૂર્વક ચર્ચા કરી હતી.
આ ચર્ચા બાદ દરેક પદ માટે ત્રણ સભ્યોની પેનલ બનાવી પ્રદેશમાં મોકલાશે અને ત્યારબાદ નિમણુંક માટેનો નિર્ણય કરાશે. જોકે, આજે સેન્સ લેવાની પ્રક્રિયા દરમિયાન ધારાસભ્ય હાજર રહ્યાં ન હતા. જ્યારે કેટલાક દાવેદારો અપેક્ષિત ન હોવા છતાં કાર્યાલય પર આવી ગયા હતા.

