વડાપ્રધાન મોદી બે દિવસ ગુજરાતમાં: ખરાબ હવામાનને કારણે વડોદરાથી બાય રોડ કેવડિયા જવું પડ્યું 

સોશિયલ મીડિયા પર શેર કરો

વડોદરા,

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાત મુલાકાતે પધાર્યા છે ત્યારે તેઓ આજે 31 ઑક્ટોબરે સરદાર વલ્લભ પટેલની 150મી જન્મ જયંતીની ઉજવણી સમારોહમાં સહભાગી થશે. જોકે, હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી અને ખરાબ હવામાનના કારણે તેમના કાર્યક્રમમાં ફેરફાર થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાથી સ્ટેચ્યુ ઑફ યુનિટી સુધી બાય રોડ જવા રવાના થયા હતા.

મીડિયા સુત્રો થકી મળતી માહિતી મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઠીક 4:00 વાગે વડોદરા ઍરપોર્ટ પર પધારવાના હતા અને ત્યાંથી હેલિકોપ્ટર મારફત સ્ટેચ્યુ ઑફ યુનિટી પહોંચવાના હતા. પરંતુ, સતત વરસતા વરસાદ અને ખરાબ હવામાનને લીધે તેમણે હવે રોડ માર્ગે જવાનું નક્કી કર્યું છે.

પીએમ મોદી વડોદરા ઍરપોર્ટથી ગોલ્ડન ચોકડી, કપુરાઈ ચોકડી, ડભોઈ થઈને એકતા નગર ખાતે પહોંચવાના છે. વડાપ્રધાનના આ બાય રોડ પ્રવાસના કારણે સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવી દેવામાં આવી છે. વડોદરા, છોટા ઉદેપુર અને નર્મદા સહિતના વિસ્તારોમાં સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. હવામાનના વિઘ્નને કારણે તેમના કાર્યક્રમના પરિવહનમાં ફેરફાર થવાથી સુરક્ષા અને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.

મહત્વનું છે કે, આ પહેલીવાર નથી જ્યારે વડાપ્રધાન મોદીને ખરાબ હવામાનને કારણે રોડ માર્ગે મુસાફરી કરવી પડી હોય. વર્ષ 2017માં નર્મદા ડેમના લોકાર્પણ સમયે પણ વરસાદ વિઘ્ન બન્યો હતો, જેના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વડોદરાથી સીધા બાય રોડ સ્ટેચ્યુ ઑફ યુનિટી આવવાની નોબત આવી હતી. તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ પણ 26 ફેબ્રુઆરી 2025એ ગુજરાત આવ્યા હતા, ત્યારે હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામીના કારણે તેમને પણ વડોદરાથી બાય રોડ કેવડિયા આવવું પડ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *