પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન સ્વ. શ્રી અટલ બિહારી વાજપેયીજી એક બુદ્ધિજીવી, કવિ, ફિલોસોફર અને ઉમદા રાજકારણી હતા :ભારતના ભૂતપૂર્વ રાજદૂત શ્રી સુજન આર. ચિનોય

સોશિયલ મીડિયા પર શેર કરો

ગાંધીનગર,

દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન સ્વ. શ્રી અટલ બિહારી વાજપેયીજીની ૧૦૦મી જન્મજયંતિ પ્રસંગે  રાજ્ય સરકાર દ્વારા ‘અટલ સંસ્મરણ વ્યાખ્યાનમાળા’નું સમગ્ર વર્ષ દરમિયાન આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત વહીવટી સુધારણા અને તાલીમ પ્રભાગ, સામાન્ય વહીવટ વિભાગ અંતર્ગત સ્પીપા દ્વારા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન-AMAના સહયોગથી તા. ૨૮ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ સ્પીપાના ગાંધીનગર કેમ્પસ ખાતે ‘ગાઇડેડ બાય વિઝન, ગવર્ન્ડ બાય વેલ્યુઝ’ વિષય પર ‘અટલ સંસ્મરણ વ્યાખ્યાનમાળા’ના બીજા સત્રનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મનોહર પારિકર ઇન્સ્ટિટ્યૂટ ફોર ડિફેન્સ સ્ટડીઝ એન્ડ એનાલિસિસ (MP-IDSA), નવી દિલ્હીના ડિરેક્ટર જનરલ અને ભારતના ભૂતપૂર્વ રાજદૂત શ્રી સુજન આર. ચિનોયે જણાવ્યું હતું કે, શ્રી અટલ બિહારી વાજપેયીજીનું એક વિરાટ વ્યક્તિત્વ હતું. તેઓ એક બુદ્ધિજીવી, કવિ, ફિલોસોફર અને ઉમદા રાજકારણી હતા. વાજપેયીજીએ સત્તા, પદ, સંપત્તિ તેમજ રાજકીય બાબતોને તેમના દૃષ્ટિકોણ પર ક્યારેય હાવી થવા દીધી ન હતી. રાષ્ટ્રીય હિત, ભારતના નાગરિકોનું કલ્યાણ અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ તેમની નીતિઓના કેન્દ્રમાં હતા.

ભૂતપૂર્વ રાજદૂત શ્રી ચિનોયે કહ્યું હતું કે, વાજપેયીજી એક પ્રભાવશાળી વક્તા હતા. તેઓ હિન્દી, અંગ્રેજી અને ઉર્દૂ ભાષા સરળતાથી બોલી શકતા હતા. વાજપેયીજી કોઈ વિચાર, નીતિ કે વિચારધારા વિરુદ્ધ ન હતા તેમજ વ્યક્તિગત સ્તરે કોઈને નારાજ કરતાં ન હતા. આવા ગુણને પરિણામે તેમના વિરોધીઓ પણ તેમની પ્રશંસા કરતા હતા.

શ્રી ચિનોયે જણાવ્યું હતું કે, વર્ષ ૧૯૫૦ના દાયકામાં શ્રી વાજપેયીજીની રાજકીય કારકિર્દીની શરૂઆત થઈ હતી, જે પાંચ દાયકાથી વધુ સમય સુધી ચાલી હતી. તેમણે લોકસભામાં ૧૦ ટર્મ માટે સંસદ સભ્ય તરીકે અને રાજ્યસભામાં બે ટર્મ સુધી સેવાઓ આપી હતી. વાજપેયીજી હંમેશા ભારત સંબંધિત મુદ્દાઓ અને રાષ્ટ્રીય સુરક્ષામાં રસ ધરાવતા હતા. દેશની પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વ વિશે તેમના મંતવ્યો ખૂબ જ મજબૂત હતા.

શ્રી ચિનોયે ઉમેર્યું હતું કે, ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીના આંતરરાષ્ટ્રીય સંબંધો, ખાસ કરીને ચીન અને પાકિસ્તાન સાથેના સંબંધોને આગળ વધારવાના તેમના પ્રયાસો ખૂબ પરિણામલક્ષી હતા. વિદેશમંત્રી અને વડાપ્રધાન બંને તરીકે વાજપેયીજી ઉત્તમ સાબિત થયાં હતા, જેનું ઉદાહરણ પાકિસ્તાન સાથે લાહોર બસ યાત્રા અને કારગિલ સંઘર્ષ દરમિયાન નિયંત્રણ રેખા પાર ન કરવાના નિર્ણય દ્વારા જોવા મળે છે. આ ઉપરાંત ચીન સાથેની તેમની વાટાઘાટો એક મહત્વપૂર્ણ સફળતા સાબિત થઈ હતી. જેના પરિણામે સિક્કિમને ભારતના અભિન્ન ભાગ તરીકે માન્યતા મળી તેમજ સરહદી વાટાઘાટો માટે ખાસ પ્રતિનિધિઓ સાથે વાતચીતનો પ્રારંભ થયો હતો. વધુમાં, ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે શીતયુદ્ધ પછીની વ્યૂહાત્મક ભાગીદારીના શિલ્પી તરીકે વાજપેયીજીની ભૂમિકા ખૂબ મહત્વપૂર્ણ સાબિત થઈ હતી. 

તેમણે કહ્યું હતું કે, પૂર્વ વડાપ્રધાન શ્રી વાજપેયીના નેતૃત્વમાં વર્ષ ૨૦૦૦થી ૨૦૦૫ વચ્ચેનો સમયગાળો ભારત-ચીન વચ્ચે વેપાર અને આર્થિક સંબંધોમાં સુવર્ણ યુગ તરીકે ઓળખાતો હતો. જે સમય દરમિયાન લગભગ બધી મોટી ભારતીય આઇ.ટી, ફાર્માસ્યુટિકલ જેવી વિવિધ કંપનીઓ ચીનમાં રોકાણ કરી રહી હતી. વર્ષ ૨૦૦૩માં શાંઘાઈની મુલાકાત દરમિયાન વડાપ્રધાન શ્રી વાજપેયીએ ઇન્ફોર્મેશન ટેકનોલોજી પરની પ્રથમ પરિષદને સંબોધિત કરી હતી અને ભારત-ચીનની આઈટી કંપનીઓ વચ્ચે વ્યૂહાત્મક જોડાણની હાકલ કરી હતી. 

અત્રે નોંધનીય છે કે, આ ‘અટલ સંસ્મરણ વ્યાખ્યાનમાળા’ના મુખ્ય વક્તા ભારતના ભૂતપૂર્વ રાજદૂત શ્રી સુજન રમેશચંદ્ર ચિનોય એક અનુભવી રાજદ્વારી છે, જેમણે પૂર્વ એશિયા તથા મધ્ય પૂર્વમાં મુખ્ય પોસ્ટિંગ સહિત વિશ્વભરમાં વિવિધ મહત્વપૂર્ણ કાર્યોમાં ભારતને સેવા આપી છે. વધુમાં, તેમણે આંતરરાષ્ટ્રીય રાજદ્વારી, વ્યૂહાત્મક બાબતો અને આર્થિક ભાગીદારીની તેમની ઊંડી સમજણ થકી ભારતની વિદેશ નીતિના ઉદ્દેશ્યોને આગળ વધારવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. હાલમાં, શ્રી ચિનોય નવી દિલ્હીમાં મનોહર પારિકર ઇન્સ્ટિટ્યૂટ ફોર ડિફેન્સ સ્ટડીઝ એન્ડ એનાલિસિસ (MP-IDSA)ના ડિરેક્ટર જનરલ તરીકે સેવા આપી રહ્યા છે, જે સંરક્ષણ અને વ્યૂહાત્મક બાબતો પર ભારતના અગ્રણી થિંક ટેન્કોમાંનું એક છે. તેઓ રાષ્ટ્રીય સુરક્ષા-આંતરરાષ્ટ્રીય સંબંધો પર અમૂલ્ય આંતરદૃષ્ટિ તથા માર્ગદર્શન પ્રદાન કરે છે. 

શ્રી ચિનોયે ભારતના G-20 પ્રેસિડેન્સી માટે Think20 જૂથનું નેતૃત્વ કર્યું હતું અને PMMLની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ તેમજ ભારતીય વૈશ્વિક બાબતોની પરિષદની ગવર્નિંગ કાઉન્સિલમાં સેવા પણ આપી હતી. શ્રી ચિનોયે CAPF આધુનિકીકરણ યોજનાઓના મધ્ય-ગાળાના મૂલ્યાંકનનું પણ અધ્યક્ષપદ સંભાળ્યું હતું અને ઓપરેશન સિંદૂર માટે UAE અને પશ્ચિમ આફ્રિકામાં ઓલ-પાર્ટી સાંસદોના પ્રતિનિધિમંડળનો ભાગ બન્યા હતા.

‘અટલ સંસ્મરણ વ્યાખ્યાનમાળા’ના બીજા સત્રમાં સામાન્ય વહીવટ વિભાગ તથા સ્પીપાના અધિકારીશ્રીઓ – કર્મચારીઓ, AMAના પ્રતિનિધિઓ સહિત મોટી સંખ્યામાં ડિફેન્સ સ્ટડીઝના ફેકલ્ટીઓ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *