હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી

સોશિયલ મીડિયા પર શેર કરો

ગાંધીનગર/ભાવનગર/વેરાવળ/પોરબંદર,

અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થયું છે, ત્યારે હવામાન વિભાગે આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં આવેલા પોર્ટ પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ આપવામાં આવ્યું છે.  ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે કડક પગલાં લેવામાં આવ્યા છે. ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને ઘોઘાના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. તેમજ વેરાવળ અને પોરબંદરના દરિયામાં પણ સામાન્ય કરતા વધુ ઉંચાઈવાળા મોજા ઉછળતા જોવા મળ્યા હતા. 

મહેસાણા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. જેના પગલે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. ખાસ કરીને ઊંઝા અને બહુચરાજી તાલુકામાં વરસાદ વરસ્યો છે. આ અણધાર્યા વરસાદના આગમનથી ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ સર્જાયો છે. કારણ કે તેમના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. બીજી તરફ ઊંઝા અને આસપાસના વિસ્તારોમાં સવારે ભારે વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ઊંઝા શહેરના રેલવે અંડરપાસમાં પણ વરસાદી પાણી ભરાઈ જતાં વાહન વ્યવહારને બંધ કરવાની ફરજ પડી હતી. જેના લીધે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

નવસારી જિલ્લાના વાતાવરણમાં  અચાનક પલટો જોવા મળ્યો છે. બપોર બાદ નવસારી શહેર અને જિલ્લામાં વરસાદ વરસ્યો. કમોસમી વરસાદથી ડાંગર સહિતના પાકને નુક્સાનની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. નવસારી શહેરમાં આવેલા મંકોડીયા જુનાથાણા સ્ટેશન રોડ ડેપો સહિત તમામ વિસ્તારમાં વરસાદ વરસ્યો તો જિલ્લામાં ગણદેવી તાલુકાના બલીમોરા શહેરમાં પણ વરસાદી ઝાપટા પડ્યા. કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ડાંગર ચીકુ જેવા પાકને નુકસાન થવાની સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી મુજબ ડાંગમાં પણ કમોસમી વરસાદ પડ્યો છે. ડાંગ જિલ્લો અને જિલ્લાનું મુખ્ય મથક આહવા સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદથી તૈયાર થયેલો ડાંગરનો પાક બગડવાનું જોખમ ઊભુ થયું છે. તો બીજી તરફ ધોધમાર વરસાદને પગલે શીવઘાટ ફરી સક્રિય થયો છે અને વરસાદના કારણે ડાંગમાં પ્રકૃતિનો નજારો ખિલ્યો છે.

ગીર સોમનાથના વેરાવળમાં વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ વરસ્યો હતો. વેરાવળ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં માવઠું થતાં રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. સોમનાથ મહાદેવ પવિત્ર ધામ ખાતે મેઘગર્જના સાથે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જ્યારે કમોસમી વરસાદના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થતાં ગુજરાતના દરિયાકાંઠા અને સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. સમુદ્રમાં જોખમી પરિસ્થિતિ ઊભી થાય તેવી શક્યતા છે, ત્યારે ઘોઘા અને ઓખા પોર્ટ પર નંબર-3, સલાયા પોર્ટ પર નંબર-1નું સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તંત્ર દ્વારા આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દરિયા કિનારે રહેતા લોકોને અને ખાસ કરીને માછીમારોને 5 દિવસ સુધી દરિયો ન ખેડવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. માછીમારોએ પણ વહીવટી તંત્રની સૂચનાનું પાલન કરીને તેમની તમામ બોટને દરિયા કિનારે સુરક્ષિત રીતે લાંગરી દીધી છે. ભારે વરસાદની આગાહી અને દરિયાઈ કરંટને જોતાં પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.

અમરેલી જિલ્લાના ધારી ગીર વિસ્તારના ગ્રામ્ય પંથકમાં આજે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી પ્રવર્તિ રહેલા અસહ્ય બફારા અને ઉકળાટ બાદ મેઘરાજાની પધરામણી થતાં લોકોને ગરમીમાંથી રાહત મળી છે. ધારી ગીર વિસ્તારના ત્રંબકપુર, હીરાવા અને પાતળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. આ ત્રણેય ગામોમાં સારો એવો વરસાદ પડતાં રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા અને ખેતરોમાં પણ પાણી ભરાયા હતા.

ઓરેન્જ ઍલર્ટ : બોટાદ, અમરેલી, ભાવનગર.

યલો ઍલર્ટ : અમદાવાદ, સુરેન્દ્રનગર, ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *