અમદાવાદ,
અમદાવાદના બોપલમાં પોલીસે મધ્યરાત્રીના એક રેવ પાર્ટીમાં દરોડા પાડીને ભારતીય તેમજ વિદેશીઓને પીધેલા ઝડપી લીધા હતા. આ પાર્ટી વિદેશી દ્વારા આયોજન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.
એક હાઇપ્રોફાઇલ કિસ્સો અમદાવાદના પોશ વિસ્તારમાંથી સામે આવ્યો છે, જ્યાં શુક્રવારે મોડી રાત્રે ચાલતી રેવ પાર્ટી પર પોલીસે દરોડો પાડી 15થી વધુ લોકોને દારૂની મહેફિલ માણતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસે આઠ પુરુષો અને છ મહિલાઓ સહિત 15થી વધુ લોકોની અટકાયત કરી હતી અને સ્થળ પરથી દારૂની બોટલો, હુક્કાનો સામાન અને અન્ય સામગ્રી જપ્ત કરી હતી.
આ મામલે મીડિયા સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પ્રાપ્ત માહિતી અનુસાર બોપલ પોલીસને બાતમી મળી હતી કે અમદાવાદના શીલજ પાસે આવેલા ઝેફાયર ફાર્મહાઉસમાં એક હાઇપ્રોફાઇલ પાર્ટી ચાલી રહી છે, જેમાં શરાબ અને શબાબની છોળો ઉડી રહી છે. આ બાતમીના આધારે બોપલ પોલીસે મોડી રાત્રે ફાર્મહાઉસ પર દરોડો પાડ્યો હતો.
પોલીસ જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે પાર્ટીના રંગમાં ભંગ પડ્યો હતો. પોલીસે દારૂના નશામાં ચૂર 15થી વધુ લોકોની ધરપકડ કરી હતી. આશ્ચર્યજનક રીતે આ પાર્ટીમાં 2 ભારતીયો સહિત 15 જેટલા NRI અને વિદેશી નાગરિકો મોજ માણતા ઝડપાયા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા લોકોમાં નાઇજિરીયન, આફ્રિકન, મોઝામ્બિકા અને કેન્યાના નાગરિકો પણ સામેલ હતા.

આ મામલે બોપલ પોલીસ સ્ટેશનના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, દારૂની પાર્ટી ચાલતી હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસ ટીમે ફાર્મહાઉસ પર દરોડો પાડ્યો હતો. અમે દારૂ, હુક્કા અને અન્ય વસ્તુઓ જપ્ત કરી છે. આ મામલે ગુજરાત પ્રોહિબિશન ઍક્ટ હેઠળ કાયદેસરની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ પાર્ટી કોઈપણ જાતની મંજૂરી વગર યોજવામાં આવી હતી અને આ મેળાવડા માટે ફાર્મહાઉસ ભાડે રાખવામાં આવ્યું હતું. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ કેવી રીતે મંગાવવામાં આવ્યો અને કાર્યક્રમ માટે કોણે મંજૂરી આપી હતી તે અંગે આયોજકોની પૂછપરછ કરવામાં આવી રહી છે
મહત્વનું છે કે, વિદેશીઓની રેવ પાર્ટી માટે, શરાબ અને શબાબની પાર્ટી માટે ખાસ પાસ છપાવવામાં આવ્યા હતા. ઝડપાયેલાઓમાં મોટા ભાગે આફ્રિકન નાગરિક હોવાનું સામે આવ્યું છે. પાર્ટી માટે છપાવેલા પાસમાં એવા ખાસ ઉલ્લેખ કરાયો હતો કે, દારૂ પીવા માટેની બ્રાન્ડ અને અનલિમિટેડ પી શકાય તેવા અર્થમાં લખાણ લખાયેલ હતું. બોપલ પોલીસે રેવ પાર્ટી પર દરોડા પાડીને દારૂના નશામાં ઘૂત રહેલા ભારતીય અને વિદેશીઓ સહિત કુલ 15થી વઘુ લોકોની ધરપકડ કરીને બ્લડ સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરી હતી.

