ભૂજમાં પત્નીએ પતિને જીવતો સળગાવ્યો, પતિએ પૈસા આપવાનો ઈનકાર કરતા હત્યા કરી

સોશિયલ મીડિયા પર શેર કરો

ભુજ,

કચ્છના ભુજમાંથી ખુબજ ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં, એક પત્નીએ પોતાના 60 વર્ષીય પતિને રૂપિયાની લાલચમાં જીવતો સળગાવી દીધો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. સમગ્ર ઘટનામાં ગંભીર રીતે દાઝેલો વૃદ્ધને જી. કે જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં મોડી સાંજે સારવાર દરમિયાન વૃદ્ધનું મોત નીપજ્યું હતું. આ મામલે માનકુવા પોલીસ સ્ટેશનમાં વૃદ્ધની પત્ની સામે નોંધાયેલી હત્યાના પ્રયાસની ફરિયાદમાં હત્યાની કલમ ઉમેરાઈ છે.

ભુજમાં પત્નીએ પતિની જીવતો સળગાવી દેવાના કેસમાં પતિનું સારવાર દરમિયાન મૃત્યુ થતાં પોલીસે આરોપી પત્ની વિરૂદ્ધમાં હત્યાનો ગુનો નોંધ્યો છે. પોલીસે આરોપી પત્નીની ધરપકડ કરી લીધી છે, તેવામાં આરોપી પત્ની પોલીસ સ્ટેશનમાં રડતી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. તમને જણાવી દઈએ કે, મૃતક પતિની ઉંમર 60 અને પત્નીની 40 વર્ષની ઉંમર છે. આમ પતિથી 20 વર્ષ પત્ની નાની છે.

આ સમગ્ર મામલે મીડિયા સુત્રો પાસે થી મળતી માહિતી મુજબ, ભુજના સામત્રા ગામમાં રહેતા 60 વર્ષીય ધનજીભાઈ પટેલે પહેલી પત્નીના મૃત્યુ બાદ લગભગ દોઢ વર્ષ પહેલાં કૈલાસ નામની યુવતી સાથે બીજા લગ્ન કર્યા હતા. કૈલાસના પોતાના પહેલાં પતિ સાથે છૂટાછેડા થઈ ગયા હતા. ધનજીભાઈને ત્રણ દીકરા છે પરંતુ, તેમાંથી બે વિદેશમાં છે અને એક પોતાના જ ગામમાં સ્વતંત્ર પોતાના પરિવાર સાથે રહે છે. ધનજી પટેલ અને કૈલાસ બંને એકલા રહેતા હતાં. જોકે, લગ્ન બાદ કૈલાસે ધનજી પટેલની પહેલી પત્નીના અંદાજિત 18 તોલા સોનાના દાગીના લઈ લીધા હતા. આ દાગીનામાં મંગળસૂત્ર, પાટલા, કંઠી અને વીંટીનો સમાવેશ થાય છે. ધનજી પટેલ જ્યારે આ દાગીના પરત માંગતા તો તે પાછા ન આપતી અને ઝઘડા કરતી. આ દરમિયાન કૈલાસે ભુજમાં પોતાના નામે એક ઘર ખરીદ્યું હતું, જેના હપ્તા પણ ધનજી પાસેથી લઈ જતી. જો તે કૈલાસને રૂપિયા આપવાની ના પાડે તો તે જાનથી મારી નાંખવાની ધમકી આપતી હતી. આ વિશે પીડિત કૈલાશે પોતાના ગામમાં રહેતા દીકરા અને અન્ય એક સામાજિક કાર્યકર સાથે પણ વાત કરી હતી. 

શનિવારે (11 સપ્ટેમ્બર) સાંજે પાંચ વાગ્યે કૈલાસે ફરી ધનજી પટેલ પાસે પૈસા માંગ્યા હતા. જોકે, ત્યારે તેણે પૈસા આપવાનો ઈનકાર કરતા કૈલાસ ઉશ્કેરાઈ અને ‘આજે તો તને જીવતો નહીં મૂકું…’ કહીને પતિનો હાથ ખેંચીને ઘરની બાજુમાં આવેલા ગેરેજમાં લઈ ગઈ હતી, જ્યાં તેણે કેરોસીનની બોટલ ખોલીને પતિ ઉપર છાંટી દિવાસળી ચાંપી દીધી હતી. એકબાજુ પતિ સળગી રહ્યો હતો અને બૂમો પાડતો ત્યાં બીજી તરફ કૈલાસ ગેરેજના નાના દરવાજેથી બહાર નીકળી દરવાજો બંધ કરી દીધો હતો. 

સમગ્ર ઘટનાની જાણ થતાં ધનજી પટેલનો દીકરો અને અન્ય લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ તુરંત એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી અને તેમને જી. કે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. હોસ્પિટલમાં ડૉક્ટરોએ જણાવ્યું કે, તેમણે 90 ટકા સુધી દાઝી ગયા છે. સમગ્ર બનાવમાં સારવાર હેઠળ રહેલાં વૃદ્ધનું મોડી સાંજે મૃત્યું નીપજ્યું હતું. 

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આખી ઘટના વિશે ધનજી પટેલના પુત્રએ માનકુવા પોલીસ સ્ટેશનમાં કૈલાસ સામે ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપી કૈલાસને ઝડપી લીધી છે અને તેની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *