મોડાસા,
અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા વહેલી સવારથી જ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ કાર્યવાહી હેઠળ શહેરના 45 થી વધુ અગ્રણી બિલ્ડરો, ડોકટરો અને વેપારીઓના નિવાસ્થાનો અને વ્યવસાયિક સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગની ટીમો દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઓપરેશનની વ્યાપકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓની ટીમો 70 થી વધુ વાહનોના કાફલા સાથે મોડાસા પહોંચી હતી.
વહેલી સવારથી જ શરૂ થયેલી આ કાર્યવાહીને કારણે મોડાસા શહેરમાં એક પ્રકારનો અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઇન્કમટેક્સ વિભાગના આ અચાનક અને મોટાપાયાના સર્ચથી સ્થાનિક બિલ્ડરો, ડોકટરો અને વેપારીઓમાં ભારે ફફડાટ અને ચિંતા ફેલાઈ ગઈ છે. અધિકારીઓ દ્વારા તમામ દસ્તાવેજો, હિસાબ-કિતાબ, અને અન્ય નાણાકીય વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.
આ સર્ચ ઓપરેશન 3 દિવસ સુધી ચાલશે તેવી શક્યતા છે. ત્યારે હવે આઈટીનાં દરોડમાં ઇડીની એન્ટ્રી થઈ છે. વિદેશમાં નાણાંની હેરફેરનાં પગલે ઇડી પણ તપાસમાં જોડાઈ છે.
ઇડીની એન્ટ્રીથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. વિદેશમાં નાણાની હેરફેરનાં પગલે ઇડી પણ તપાસમાં જોડાઈ છે. મોડાસાથી કરોડોનાં નાણાંની વિદેશમાં ગેરકાયદે હેરાફેરી થતી હોવાની માહિતીનાં આધારે ઈડી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. મની લોન્ડરિંગ (Money Laundering) અને ફેમા એક્ટ હેઠળ કાર્યવાહીની શક્યતા છે. આઈટી વિભાગે કરોડો રૂપિયાની રોકડ જપ્ત કરી હોવાથી મામલો વધુ ગંભીર બન્યો છે. જો કે, ઇડી અને આઇટી વિભાગ દ્વારા મોટી કાર્યવાહી બાદ કાળું નાણું ધરાવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. આ તપાસમાં મોટા નામ ખુલે તેવી પણ વકી છે.
બંને તપાસ એજન્સીઓની આ મોટી કાર્યવાહી બાદ કાળું નાણું ધરાવતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. અને મોડાસામાં બ્લેક મનીને સગેવગે કરવા અનેક લોકો સક્રિય બન્યા છે. આ કેસમાં કરોડો રુપિયાની ગોલમાલ સામે આવી શકે છે.

