સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાના હસ્તે 

સોશિયલ મીડિયા પર શેર કરો

ગાંધીનગર,

રાજ્યના અનુસૂચિત જાતિના નાગરિકો પોતાનું જીવન ગરિમાપુર્ણ જીવી નાના વ્યવસાયો થકી સ્વરોજગારી મેળવી આત્મનિર્ભર બને તે હેતુથી અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા સ્વરોજગાર લક્ષી તેમજ થ્રી વ્હીલર યોજના અમલી બનાવાઈ છે. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાએ અનુસૂચિત જાતિના સ્વરોજગારલક્ષી તેમજ થ્રી વ્હીલર યોજનાના લાભાર્થીઓની ગાંધીનગર ખાતેથી કોમ્પ્યુટરાઇઝ ડ્રો દ્વારા પસંદગી કરી હતી. જે અંતર્ગત પસંદગી પામેલા લાભાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા નજીવા દરે ધિરાણ આપવામાં આવે છે. જે અંતર્ગત રાજ્યના ૫૧૦ લાભાર્થીઓને વિવિધ યોજનાઓ માટે રૂ.૨૦ કરોડનું ધિરાણ અપાશે. 

આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સમાજના તમામ વર્ગોની ખાસ કરીને અનુસૂચિત જાતિના નાગરિકોના સશક્તિકરણ અને તેમને સમાન તક આપવા વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે. આ લાભાર્થીઓ વિવિધ યોજનાઓના માધ્યમથી નજીવા દરે સ્વરોજગારલક્ષી સાધનો ખરીદી નાના વ્યવસાયોમાં રોજગારી મેળવી આત્મનિર્ભર બનશે. 

મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, વર્ષ ૨૦૨૫-૨૬ માટે અનુસૂચિત જાતિ વિકાસ નિગમ દ્વારા સ્વરોજગારલક્ષી યોજના, થ્રી વ્હીલરની યોજના, મારૂતી સુઝુકી ઈકો તેમજ ટ્રેકટર અને યાંત્રિક સાધનો ખરીદવા માટે અરજીઓ મંગાવવામાં આવી હતી. જેમાં રાજ્યમાંથી કુલ ૧૩,૨૦૯ અરજીઓ મળી હતી. જેનો ઓનલાઇન ડ્રો યુ-ટયુબ દ્વારા લાઈવ પ્રસારણ કરી સંપૂર્ણ પારદર્શિતાથી ૫૧૦ લાભાર્થી લંક્ષ્યાકની સામે અઢીગણા એટલે કે, ૧,૨૭૫ લાભાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. પસંદગી પામેલા લાભાર્થીઓની તબક્કાવાર ડોકયુમેન્ટ ચકાસણી કરવામાં આવશે, જેમાંથી ૫૧૦ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને વિવિધ યોજનાઓ માટે નજીવા દરે ધિરાણ આપવામાં આવશે. 

આજે ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરશન, ગાંધીનગરની સ્વરોજગારલક્ષી યોજનામાં રૂ.૩.૦૦ કરોડના ધિરાણ માટે ૩૭૫ લાભાર્થીઓની, થ્રી-વ્હીલરની યોજનામાં રૂ.૬.૦૦ કરોડના ધિરાણ માટે ૫૦૦ લાભાર્થીઓની, મારૂતી સુઝુકી ઇકો યોજનામાં રૂ.૬.૫૦ કરોડના ધિરાણ માટે ૨૫૦ લાભાર્થીઓ તેમજ ટ્રેક્ટર અને યાંત્રિક સાધનો યોજનામાં રૂ.૪.૫૦ કરોડના ધિરાણ માટે ૧૫૦ લાભાર્થીઓ મળીને કુલ ૧૨૭૫ લાભાર્થીઓની પસંદગી મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાના હસ્તે ડ્રો દ્વારા કરવામાં આવી હતી.

આ સમગ્ર પ્રક્રિયાનું યુ-ટ્યુબમાં લાઇવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અનુસૂચિત જાતિ કલ્યાણના નિયામક અને અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશનના એમ.ડી શ્રી રચિત રાજ સહિત સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અધિકારીશ્રી અને અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતાના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *