અમદાવાદ,
શહેરના દાણીલીમડા વિસ્તારમાં આવેલ પોલીસ લાઈનમાં એક મહિલા એ તેના પોલીસ કર્મી પતિની હત્યા કરીને પોતે પણ ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીહી હોવાની ગંભીર ઘટના બનવા પામી હતી.
દાણીલીમડા પોલીસ લાઇનના ઘરમાં પતિ મુકેશની હત્યા કર્યા બાદ પત્ની સંગીતાએ પણ ગળેફાંસો ખાઇને જીવન ટુંકાવ્યું હતું. પોલીસને ઘરમાંથી સુસાઇડ નોટ મળી આવી હતી,જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યું હતું કે પતિ સાથે તેમને ઉગ્ર ઝઘડો થયો હોત. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. આ મામલે પોલીસે વધુ સઘન તપાસ હાથ ધરી છે.
આ મામલે મીડિયા સુત્રો થકી પ્રાથમિક માહિતી મુજબ, અમદાવાદ શહેરના દાણીલીમડા પોલીસ લાઈન ખાતે રહેતા મુકેશભાઈ પરમાર (ઉં.વ.34) A ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. આજે (4 ઓગસ્ટ) સવારે મુકેશ અને તેમના પત્ની સંગીતા વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં પાડોશીએ દરમિયાનગીરી કરીને મામલો થાળે પાડ્યો હતો. જોકે, બપોર બાદ ફરી તણાવ વધ્યો હતો. બીજી વારના ઝઘડામાં મુકેશે કથિત રીતે પત્ની સંગીતાને હેલ્મેટ મારતા, ગુસ્સે ભરાયેલી સંગીતાએ પલંગનો પાયો મુકેશના માથામાં ફટકાર્યો હતો. માથામાં ગંભીર ઈજા થતાં મુકેશ લોહીલુહાણ થઈને ઢળી પડ્યા હતા. આ ઘટનાથી ગભરાઈને સંગીતા ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.
ઘટના સમયે ઘરમાં હાજર તેમનો આઠ વર્ષનો પુત્ર ગભરાઈને મદદ માટે બહાર ભાગ્યો હતો. બાળક બહાર રડતા રડતા મદદ માટે બૂમો પાડતા પાડોશીઓ એકઠા થયા અને પોલીસને જાણ કરી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બંને પતિ-પત્નીને મૃત જાહેર કર્યા અને તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા. આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસકર્મી મુકેશ મૂળ રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના ખડકાણા ગામના વતની હોવાનું સામે આવ્યું છે. મૃતક મુકેશ 7 માર્ચ, 2012થી ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા હતા અને 20 ડિસેમ્બર, 2023ના રોજ શહેરના ટ્રાફિક વિભાગમાં જોડાયા હતા.
આ મામલે પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, વારંવાર થતાં ઘર કંકાસ ઉપરાંત મુકેશનો સુરેન્દ્રનગરની એક મહિલા સાથે આડાસંબંધ હોવાની પણ પ્રાથમિક તપાસમાં વિગતો સામે આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મુકેશ સમયાંતરે તે મહિલા સાથે રહેતા હતા, જેના કારણે પતિ-પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. આ ઘટના પહેલાં પણ બંને વચ્ચે આ મુદ્દે ઝઘડો થયો હોવાની શક્યતા છે. પોલીસ મહિલા સહિત અને અન્ય સંબંધીઓની પૂછપરછ કરીને ઘટનાના મૂળ કારણ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.

