અમદાવાદ,
અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકાના કુહા-કઠલાલ બાયપાસ રોડના ખારી નદી પરના 65 વર્ષ જૂના બ્રિજનું તાજેતરમાં જ સમારકામ પૂર્ણ કરવામાં આવેલ છે, ત્યારે અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી સુજીત કુમાર દ્વારા આ બ્રિજનું રૂબરૂ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

વધુમાં, આ બ્રિજના નિરીક્ષણ બાદ બ્રિજ ઉપર ભારે વાહનોને અવરજવરની પરવાનગી આપવી કે નહીં તેની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે. અમદાવાદ જિલ્લામાં નાગરિકોને અવરજવરની સુવિધામાં મુશ્કેલી ન પડે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં વરસાદથી અસરગ્રસ્ત રસ્તાઓનું યુદ્ધના ધોરણે સર્વે અને સમારકામ માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
આ પ્રસંગે દસ્ક્રોઈ પ્રાંત ઓફિસર શ્રી તેજસભાઈ ચૌધરી, ડીવાયએસપીશ્રી ગ્રામ્ય, માર્ગ અને મકાન પેટા વિભાગ નંબર 2 અને અમદાવાદના આસિસ્ટન્ટ એન્જિનિયર શ્રી કિશન વારા હાજર રહ્યા હતા.

