સિટીઝન્સ સોસાયટી ઑફ ઈન્ડિયાના પ્રતિનિધિઓની રાજ્યપાલશ્રી સાથે મુલાકાત 

સોશિયલ મીડિયા પર શેર કરો

ગાંધીનગર,

દેશભરમાં રાષ્ટ્રભક્તિ અને વીર સૈનિકોની શૌર્યગાથાને જનજન સુધી પહોંચાડવા માટે પ્રતિબદ્ધ સિટીઝન્સ સોસાયટી ઑફ ઈન્ડિયાના 14 સભ્યોએ આજે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની મુલાકાત લીધી હતી. પ્રતિનિધિઓએ ‘કારગિલ વિજય દિવસ’ની 26મી વર્ષગાંઠ નિમિત્તે આયોજિત ‘કારગિલ વિજય કળશ યાત્રા’ વિશે માહિતી આપી હતી. ગાંધીનગરમાં યાત્રાના આગમન પ્રસંગે રાજ્યપાલશ્રીએ યાત્રામાં સમાવિષ્ટ 26 પવિત્ર કળશનું હાર્દિક સ્વાગત કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, ‘કારગિલ વિજય કળશ યાત્રા’ આ વર્ષે 19 મે 2025ના રોજ ભારતના દક્ષિણ છેડે સ્થિત રામેશ્વરમ (તામિલનાડુ)થી શરૂ થઈ છે. આ યાત્રામાં 26 પવિત્ર નદીઓના જળ, 26 યુદ્ધ સ્મારકોની પાવન માટી અને દેશના 26 રાજ્યોમાંથી 26 બાળકો દ્વારા અર્પિત પુષ્પાંજલિઓથી ભરેલા 26 કળશનો સમાવેશ થાય છે. આ યાત્રા 12 રાજ્યોના 26 મુખ્ય શહેરોમાંથી પસાર થઈ 26 જુલાઈએ લદ્દાખના દ્રાસ સ્થિત કારગિલ યુદ્ધ સ્મારકે સંપન્ન થશે, જ્યાં ભવ્ય શ્રદ્ધાંજલિ સમારોહ યોજાશે.

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ આ પવિત્ર યાત્રા માટે તમામ સભ્યોને શુભેચ્છા પાઠવી અને દેશની રક્ષા માટે પોતાના પ્રાણ અર્પણ કરનારા વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું કે, “સેનાએ દેશની સેવા કરી છે. અમે નાગરિકો સેનાના આભારી છીએ. સેનાના બલિદાનથી જ આપણે સુરક્ષિત છીએ.”

સિટીઝન્સ સોસાયટી ઑફ ઈન્ડિયા એક સ્વૈચ્છિક-સેવાભાવી સંસ્થા છે, જે છેલ્લા 25 વર્ષથી કારગિલ વિજય દિવસની ઉજવણી દેશભરમાં અનોખી રીતે કરી રહી છે. આ અવસરે દર વર્ષે એક વિશિષ્ટ ‘વિજય સ્મૃતિ ચિહ્ન’  વિશિષ્ટ વ્યક્તિઓને અર્પણ કરવામાં આવે છે, જેનો ઉદ્દેશ્ય વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવી તથા યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ જાગૃત કરવો છે. કાર્યક્રમના અંતે સોસાયટીના પ્રતિનિધિઓએ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીને વિજય સ્મૃતિ ચિહ્ન અર્પણ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *