ગાંધીનગર,
ઉનાળા દરમિયાન રાજ્યના દરેક પરિવાર, દરેક નાગરિક સુધી પીવા માટેનું પૂરતું પાણી મળી રહે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે. પાણી પુરવઠા- જળ સંપત્તિ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા અને રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ “રાજ્ય વ્યાપી પાણી પુરવઠા ગ્રીડ” અંતર્ગત કુલ ૩,૨૫૦ કિ.મી બલ્ક પાઇપલાઇન અને ૧.૨૦ લાખ કિ.મીથી વધુ લંબાઇની પાણી વિતરણ પાઇપલાઇન દ્વારા રાજ્યના ૧૫,૭૨૦થી વઘુ ગામો અને ૨૫૧ શહેરી વિસ્તારોને દૈનિક ૩૨૦ કરોડ લીટર પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે.
ગુજરાતના કુલ ૧૮,૧૫૨ ગામો પૈકી ૧૫,૭૨૦ ગામોને ૩૭૨ જુથ પાણી પુરવઠા યોજના મારફતે સરફેસ સોર્સ આધારિત બલ્ક પાઇપલાઇન તેમજ નવીન-સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનાઓ હેઠળ પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. જ્યારે, બાકીના ૨,૪૩૨ ગામોને સ્થાનિક સોર્સ આધારીત વ્યક્તિગત પાણી પુરવઠા યોજના મારફતે પાણી પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે. બાકીના તમામ ગામોને પણ જુથ યોજનામાં આવરી લેવામાં આવ્યા છે, જેનું કામ હાલ પ્રગતિ હેઠળ છે.
જૂથ યોજના મારફત ગ્રામ્ય વિસ્તારોમાં પીવા લાયક પાણી પહોંચાડવા માટે રાજ્યના કુલ ૭૪ જેટલા ડેમમાંથી પીવા માટે પાણીનો જથ્થો આરક્ષિત રાખવામાં આવ્યો છે, જ્યાંથી જરૂરીયાત મુજબ પાણી ઉપાડી શુદ્ધીકરણ કરી લાભાર્થી ગામો સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત જુથ યોજનાઓમાં કેટલીક વાર લીકેજ અને પંપીંગ મશીનરી વગેરે જેવા પ્રશ્નો ઉપસ્થિત થતાં જુથ યોજનામાં સમાવિષ્ટ ગામોમાં પાણીની ઘટ ન પડે તથા ઉનાળાની સીઝનમાં પશુઓની પાણીની જરૂરીયાતને પહોંચી વળવા માટે અનિવાર્ય સંજોગોમાં ટેન્કરો દ્વારા જરૂરીયાત મુજબ પાણી પહોંચાડવામાં આવે છે.
રાજ્યમાં પીવાના પાણીની સંભવિત મુશ્કેલીવાળા ગામોનો સર્વે કરવામાં આવ્યો છે. આ ગામોમાં ઉનાળામાં મુશ્કેલી ન થાય તે માટે જરૂરી આયોજનના ભાગરૂપે વર્ગ-૧ તથા વર્ગ-૨ના અધિકારીશ્રીઓ દ્વારા મુશ્કેલીવાળા ગામોને દત્તક લેવામાં આવ્યા છે. આ અધિકારીશ્રીઓ દ્વારા વિવિધ માધ્યમોથી ગામમાં પાણીની જરૂરિયાત અંગેનું સઘન મોનીટરીંગ કરવામાં આવે છે.
આટલું જ નહિ, પાણી પુરવઠા સંબંધિત ફરિયાદોના નિવારણ માટે “ગ્રીવેન્સ રીડ્રેસલ સીસ્ટમ” કાર્યરત છે. જે અંતર્ગત ગાંધીનગર ખાતે ૨૪x૭ કલાકનો કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે, જેમાં ૧૯૧૬ ટોલ ફ્રી નંબરથી પીવાના પાણીને લગતી તમામ ફરીયાદો નોંધવામાં આવે છે. આ ઉપરાંત પાણી પુરવઠા બોર્ડની વડી કચેરી ખાતે પ્રોએક્ટીવ કોલસેન્ટર “જલસંપર્ક” કાર્યરત કરવામાં આવ્યું છે. આ કોલ સેન્ટરના માધ્યમથી અત્યાર સુધીમાં ૫૨,૦૦૦થી વધુ લોકોનો સંપર્ક કર્યો હતો, જે પૈકી ૯૯.૫૦ ટકા લોકોના હકારાત્મક પ્રતિભાવ મળ્યા છે.
ગ્રામ્ય કક્ષાએ પાઇપલાઈન લીકેજ સહિતની મરામત અને નિભાવણીની કામગીરી સુચારુરૂપે થાય તે માટે અત્યાર સુધીમાં કુલ ૧૩,૭૦૦ ઓપરેટર, સંરપચ, રીસોર્સ પર્શનને તાલીમ આપવામાં આવી છે. દરેક જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓને તથા કલેકટરશ્રીઓને તેમના જિલ્લાની પીવાના પાણીને લગતી પરિસ્થિતિ તેમજ ફરિયાદો અંગે નિયમિત સમીક્ષા કરવા જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની નિયમિત બેઠક થાય તે મુજબ સૂચન પણ કરવામાં આવે છે.