અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડેનને ગંભીર પ્રોસ્ટેટ કેન્સર હોવાનું નિદાન થયું 

સોશિયલ મીડિયા પર શેર કરો

વોશિંગ્ટન,

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બાડેનના સ્વાસ્થ્ય અંગે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. 82 વર્ષીય બાઇડેનને પ્રોસ્ટેટ કેન્સર થયું હોવાનું સામે આવ્યું છે, પેશાબમાં તકલીફ થતાં તેમણે તાજેતરમાં જ મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું. જો બાઈડેનના સ્વાસ્થ્ય અંગે તેમના કાર્યાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર પ્રોસ્ટેટ કેન્સરના કોષો તેમના હાડકાં સુધી ફેલાઈ ગયા છે. આથી જો બાઈડેન અને તેમનો પરિવાર કેન્સરની સારવાર લેવાનું વિચારી રહ્યા હતા.

પ્રોસ્ટેટ કેન્સરની ગંભીરતા ગ્લીસન સ્કોર દ્વારા નક્કી થાય છે. 1થી 10નો સ્કોર દર્શાવે છે કે કેન્સર કેટલું આગળ વધી ગયું છે. જો બાઈડેનનો સ્કોર 9 છે. આ દર્શાવે છે કે કેન્સર ખૂબ જ ગંભીર તબક્કામાં પહોંચી ગયું છે. 

જો બાઈડેન 82 વર્ષના છે. તેમના કાર્યાલય તરફથી એક નિવેદનમાં જણાવાયું છે કે, ‘જોકે આ ગંભીર બીમારી છે, પરંતુ તે હોર્મોન-સંવેદનશીલ લાગે છે, જેના કારણે તેની અસરકારક સારવાર શક્ય છે.’ નિષ્ણાતોના મતે, આવા કિસ્સાઓમાં, હોર્મોન થેરાપી, કીમોથેરાપી અને કેટલાક કિસ્સાઓમાં હાડકાંને લક્ષિત સારવાર અસરકારક સાબિત થઈ શકે છે.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મેલેનિયા ટ્રમ્પે બાઈડેનના પરિવારને સાંત્વના આપી અને તેમના લાંબા આયુષ્યની શુભેચ્છા પાઠવી. તેમણે કહ્યું, ‘અમે ઈચ્છીએ છીએ કે પૂર્વ રાષ્ટ્રપતિ જલ્દી સ્વસ્થ થાય.’ ટ્રમ્પે જણાવ્યું, “આ સમાચારથી અમે દુઃખી છીએ અને જો બાઇડેનના ઝડપી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ.” ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે પણ ટ્વીટ કરીને કહ્યું, “જો એક યોદ્ધા છે, અને હું જાણું છું કે તે આ પડકારનો હિંમતથી સામનો કરશે.”

ઉલ્લેખનીય છે  કે, અમેરિકાની ચૂંટણી પ્રચાર દરમિયાન પણ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણીવાર જો બાઈડેનના સ્વાસ્થ્ય વિશે વાત કરતા હતા. તેમણે ઘણી વખત દાવો કર્યો છે કે જો બાઈડેનનું સ્વાસ્થ્ય સારું નથી અને આનાથી તેમની વિચારવાની ક્ષમતા પર પણ અસર પડી છે. ઘણા દબાણ પછી, જો બાઈડેન રાષ્ટ્રપતિ પદ માટે પોતાની ઉમેદવારી રજૂ કરી નહીં. કમલા હેરિસ ડેમોક્રેટ્સ વતી ડોનાલ્ડ ટ્રમ્પ સામે ચૂંટણી મેદાનમાં હતા. જોકે, ચૂંટણીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *