કેલિફોર્નિયા,
કેલિફોર્નિયાના પામ સ્પ્રિંગ્સ શહેરના ડાઉનટાઉનમાં એક મોટો બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેનાથી ફર્ટિલિટી ક્લિનિકને ભારે નુકસાન થયું છે અને આસપાસની ઇમારતોની બારીઓ અને દરવાજા ઉડી ગયા હતા. આ વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત થયું છે પરંતુ પોલીસે મૃતકની ઓળખની પુષ્ટિ કરી નથી.
અમેરિકાના કેલિફોર્નિયામાં એક ફર્ટિલિટી ક્લિનિકની બહાર બોમ્બ બ્લાસ્ટ થયો છે, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે. ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (FBI)એ તેને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. પામ સ્પ્રિંગ્સના ડાઉનટાઉનમાં વિસ્ફોટ થયો હતો, જેનાથી ક્લિનિકને ભારે નુકસાન થયું હતું અને આસપાસની ઇમારતોની બારીઓ અને દરવાજા ઉડી ગયા હતા. શહેરના પોલીસ વડાએ કહ્યું કે આ એક જાણી જોઈને કરાયેલું કૃત્ય હોય તેવું લાગે છે.
FBIના લોસ એન્જલસ ઓફિસના વડા અકિલ ડેવિસે જણાવ્યું કે ક્લિનિકને જાણી જોઈને નિશાન બનાવવામાં આવ્યું હતું. જો કે, તેમણે એ સમજાવવાનો ઇનકાર કર્યો હતો કે સત્તાવાળાઓ આ એક આતંકવાદી હુમલો છે એવું તારણ કયા આધારે કાઢ્યું. વિસ્ફોટમાં જીવ ગુમાવનાર વ્યક્તિની ઓળખ હજુ સુધી થઈ નથી.
એફબીઆઈએ આ મામલે તપાસ હાથ ધરી જણાવ્યું હતું કે, આ ઘટનામાં ક્લિનિકના મોટા હિસ્સાને નુકસાન થયુ છે. જો કે, સદનસીબે ક્લિનિક બંધ હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.
FBIને ઘટના સ્થળેથી AK-47 રાઈફલ પણ મળી આવી હતી. બોમ્બ બ્લાસ્ટ પાછળનો ઉદ્દેશ હજી સુધી જાણી શકાયો નથી. ક્લિનિકે જણાવ્યું હતું કે, તમામ સ્ટાફ અને લેબોરેટરી સુરક્ષિત છે. જે દિવસે આ ઘટના બની તે દિવસે ક્લિનિકમાં કોઈ દર્દી ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે. ક્લિનિક ઉપરાંત તેની આસપાસ આવેલી લિકર સ્ટોર અને હોસ્પિટલની ઈમારતને પણ નુકસાન થયુ છે. જે કારમાં બોમ્બ બ્લાસ્ટ થયો તેના કુરચે કુરચા ઉડી ગયા હતાં.
મહત્વનું ચે કે, એફબીઆઈએ શંકમદની ઓળખ જાહેર નથી કરી, કારણકે, ઘટનામાં એકમાત્ર મૃત્યુ પામનાર વ્યક્તિ જ શંકમદ છે. તેની જ કારમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો. બોમ્બ બ્લાસ્ટમાં ફાઈવ લેન રોડ પર ચારેબાજુ ઈમારતોના છાપરાં, કાટમાળ પથરાઈ ગયો હતો. પોલીસે આ ઘટનામાં સ્થાનિક કે આંતરરાષ્ટ્રીય આતંકવાદ સંગઠન જોડાયેલુ છે કે, કેમ તેની તપાસ હાથ ધરી હોવાનું જણાવ્યું છે.