ગાંધીનગર,
છેલ્લા ચાર દિવસથી રાજ્યમાં કમોસમી વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. બુધવારે 103 તાલુકામાં માવઠું પડ્યું હતું. છેલ્લા 48 કલાકમાં ભાવનગરના મહુવામાં ચાર કલાકમાં 6 ઈંચ સહિત કુલ 7 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ સિવાય 40 જેટલા તાલુકામાં અડધા ઈંચથી પણ વઘુ વરસાદ નોંધાયો હતો. આ સિવાય વહેલી સવારથી જ અમદાવાદ, સૌરાષ્ટ્ર સહિત અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. એવામાં હવામાન વિભાગે બુધવારે ભરૂચ, સુરત, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ આપ્યું છે. બીજી બાજુ ગુજરાતમાં કમોસમી વરસાદે કહેર મચાવતાં એક જ દિવસમાં 19 વ્યક્તિના મોત થયા છે. જેમાં ચાર વ્યક્તિએ ઝાડ, 3 વ્યક્તિએ વીજળી, 3 વ્યક્તિએ ઝાડ , બે વ્યક્તિએ હોર્ડિંગ જ્યારે અન્ય બે વ્યક્તિએ મકાન-દીવાલ પડવાથી જીવ ગુમાવ્યો હતો.

કૃષિ તજજ્ઞના જણાવ્યા મુજબ હજુ તો તેજ પવન છે. જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં હજુ વરસાદ નથી પણ આગાહી મુજબ વરસાદ પડશે તો કેરીમાં સોનમાખ આવવાની અને ત્યારબાદ કાચી કેરી પાકવામાં સમસ્યા થવાની સંભાવના છે.
હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા, પાટણ, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, કચ્છમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે.
વહેલી સવારથી શરૂ થયેલા વરસાદમાં 8 વાગ્ચા સુધીમાં આણંદમાં સૌથી વધુ 2.28 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ સિવાય નર્મદા, છોટા ઉદેપુર જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો હતો. અમદાવાદ, ગાંધીનગર જેવા શહેરોમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો હતો. આ સિવાય સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ મેઘરાજાનો કહેર યથાવત હતો.