દેશભરમાં સાઈરન વાગશે, રાજ્યોને મોક ડ્રીલનો આદેશ: નાગરિકોને હુમલાથી બચવાની ટ્રેનિંગ અપાશે

સોશિયલ મીડિયા પર શેર કરો

નવી દિલ્હી,

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત દ્વારા વધુ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આદેશ આપતા કહ્યું છે કે, દરેક રાજ્યોની મોકડ્રીલ શરૂ કરવામાં આવશે. ગૃહ મંત્રાલયે દરેક રાજ્યોને આ આદેશ આપ્યો છે. જેમાં વિદ્યાર્થીઓ, નાગરિકોને ટ્રેનિંગ આપવા સૂચના અપાઈ છે. ત્યારે એર રેડ વોર્નિગ સાયરનની તૈયારી માટે આદેશ આપી દેવામાં આવ્યો છે. 

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ઘણા રાજ્યોને 7 મે ના રોજ નાગરિક સંરક્ષણ કવાયત હાથ ધરવાનો નિર્દેશ આપ્યો છે. સરકારી સૂત્રોએ આ માહિતી આપી છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ કવાયત દરમિયાન, હવાઈ હુમલાની ચેતવણી આપતા સાયરન વગાડવામાં આવશે અને નાગરિકો અને વિદ્યાર્થીઓને દુશ્મનના હુમલા દરમિયાન પોતાનું રક્ષણ કેવી રીતે કરવું તેની તાલીમ આપવામાં આવશે.

આ મોક ડ્રીલમાં નાગરિકોને હવાઈ હુમલાથી બચવાની ટ્રેનિંગ આપવામાં આવશે. નોંધનીય છે કે આવી મોક ડ્રીલ છેલ્લે વર્ષ 1971માં યોજાઇ હતી, જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ભીષણ યુદ્ધ થયું હતું. 

મોક ડ્રીલમાં શું શું કરવામાં આવશે? 

– હવાઈ હુમલાની ચેતવણી આપતી સાઈરન વગાડાશે. 

– નાગરિકો અને વિદ્યાર્થીઓને હુમલાની સ્થિતિમાં બચવાની ટ્રેનિંગ અપાશે. 

– મોટા શહેરો સહિત બધે જ બ્લેકઆઉટ કરાશે. 

– નાગરિકોને સુરક્ષિત રીતે નીકળવાની પ્રેક્ટિસ કરાવાશે. 

– મહત્ત્વપૂર્ણ સંસ્થાઓની ઈમારતોને છુપાવવાનો પ્રયાસ કરાશે. 

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ કવાયત દરમિયાન મહત્વપૂર્ણ પ્લાન્ટ્સ અને સંસ્થાઓને ઝડપથી છુપાવવાની વ્યવસ્થા કરવામાં આવશે. રાજ્યોને તેમની સ્થળાંતર યોજનાઓને અપડેટ કરવા અને રિહર્સલ કરવા કહેવામાં આવ્યું છે, જેથી કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી કરી શકાય. આ કવાયત દેશની આંતરિક સુરક્ષાને મજબૂત બનાવવા અને કટોકટીની પરિસ્થિતિઓનો સામનો કરવા માટે તૈયારી કરવાના ઉદ્દેશ્ય સાથે હાથ ધરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *