સિંગાપોર,
સિંગાપોરની પીપલ્સ એક્શન પાર્ટીએ સતત 14મી વખત સામાન્ય ચૂંટણીમાં જીત નોંધાવી પોતાના છ દાયકાના શાસનને આગળ વધાર્યો છે. ગ્લોબલ ટ્રેડ વૉરથી ઉત્પન્ન આર્થિક ઉથલ-પાથલ વચ્ચે સિંગાપોરની જનતાએ પોતાના નવા વડાપ્રધાનને મજબૂત જનાદેશ આપ્યો છે.
ભારતના વડાપ્રધાન મોદીએ સિંગાપોરના વડાપ્રધાન લોરેન્સ વોંગને તેમને મેળવેલ સ્પષ્ટ જનાદેશ બદલ અભિનંદન પાઠવ્યા છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારત સિંગાપોર સાથે વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા અને સાથે મળીને કામ કરવા આતુર છે. વડાપ્રધાન મોદીએ લોરેન્સ વોંગને સિંગાપોરના પ્રધાનમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
સિંગાપોરની ચૂંટણીમાં શાસક પક્ષ પીપલ્સ એક્શન પાર્ટીએ પ્રચંડ બહુમતી મેળવી છે. વડાપ્રધાન વોંગની પાર્ટીએ 97માંથી 87 બેઠકો જીતી છે. 1965માં સ્વતંત્રતા મળ્યા બાદ 60 વર્ષોથી લોરેન્સ વોંગની પાર્ટી પીપલ્સ એક્શન પાર્ટી શાસન કરી રહી છે. વૈશ્વિક અર્થતંત્રમાં અનિશ્ચિતતાઓમાં પણ સામાન્ય ચૂંટણીમાંથી વોંગ અને પીએપીએ સ્પષ્ટ જનાદેશ હાંસલ કર્યો છે. માર્સિલિંગ-યૂ ટી ગ્રુપ રિપ્રેઝન્ટેશન કોન્સ્ટિટ્યુન્સી (GRC) ના પરિણામો જાહેર થયા બાદ વોંગે કહ્યું કે, અમે તમારા મજબૂત જનાઆદેશ માટે આભારી છીએ અને તમારા બધા માટે વધુ સખત મહેનત કરીને તમે અમારા પર મૂકેલા વિશ્વાસનું સન્માન કરીશું.
ગત વર્ષે વડાપ્રધાન બનનારા લોરેન્સ વોંગ માટે આ ચૂંટણીને અગ્નિપરીક્ષા સમાન હતી. વોંગ PAPનું નેતૃત્વ કરે છે જે સ્વતંત્રતા પછીથી સિંગાપોરમાં શાસન કરી રહી છે. સિંગાપોરના મતદારોએ દેશના રાજકીય ભવિષ્યને નક્કી કરવા માટે 1,240 મતદાન મથકો પર 97 સંસદીય બેઠકોમાંથી 92 માટે મતદાન કર્યુ હતું. જેમાંથી લોરેન્સ વોંગને 87 બેઠકો પર સ્પષ્ટ બહુમતી મેળવી છે. સિંગાપોરમાં 27,58,846 નોંધાયેલા મતદારો છે.