નવી દિલ્હી,
કાશ્મીરના પહેલગામના બૈસરન ખીણમાં આતંકવાદી હુમલા દરમિયાન 28 લોકોના મોત બાદ, ભારત સરકારે ઘણા કડક નિર્ણયો લીધા છે. બુધવારે યોજાયેલી કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (CCS) ની બેઠકમાં, 1960 ની સિંધુ જળ સંધિને તાત્કાલિક અસરથી સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાકિસ્તાનની જીવાદોરી કહેવાતી સિંધુ અને તેની સહાયક નદીઓના પાણી પર ભારત નિયંત્રણ મેળવતાંની સાથે જ ત્યાંના લોકો પાણી માટે ટળવળશે.સિંધુ અને તેની ઉપનદીઓ ચાર દેશોમાંથી વહે છે. એટલું જ નહીં, 21 કરોડથી વધુ વસ્તીની પાણીની જરૂરિયાતોની પરિપૂર્ણતા આ નદીઓ પર આધારિત છે.
મહત્વનું છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચેની અટારી-વાઘા સરહદ બંધ કરી દેવામાં આવી છે. ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ જળસંધિ સ્થગિત કરી દીધી છે, તમામ પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરવા અને 48 કલાકની અંદર ભારત છોડી દેવાના આદેશ આપી દીધા છે. સૂત્રોના જણાવ્યાનુસાર, ભારત હવે પાકિસ્તાનમાં માલની નિકાસ બંધ કરવાની પણ તૈયારી કરી રહ્યું છે. વર્ષ 2024માં ભારતની પાકિસ્તાનમાં નિકાસ 1.21 બિલિયન ડોલરના પાંચ વર્ષના ઉચ્ચ સ્તરે પહોંચી ગયું હતું.
ભારતથી પાકિસ્તાનમાં ઘણી પ્રકારની ખાદ્ય ચીજોની નિકાસ કરવામાં આવે છે, જે રોજિંદા જીવનમાં ઉપયોગી છે જેમ કે વિવિધ પ્રકારના ફળો અને શાકભાજી.જેમાં બટાકા, ડુંગળી, લસણ વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે કઠોળ, ચણા, બાસમતી ચોખા પણ મોકલવામાં આવે છે. આ ઉપરાંત પાકિસ્તાન ભારતમાંથી કેરી, કેળા જેવા ઘણાં મોસમી ફળોની પણ આયાત કરે છે.
ઉલ્લેખનીય છે કે, ભારતીય ચા દુનિયાભરમાં પ્રખ્યાત છે. આસામ અને દાર્જિલિંગમાંથી સુગંધિત ચાના પાન પણ પાકિસ્તાન મોકલવામાં આવે છે. આ ઉપરાંત ભારત પાકિસ્તાનને મરચાં, હળદર, જીરું જેવા વિવિધ પ્રકારના મસાલા પણ મોકલે છે. આ સાથે ભારતથી પાકિસ્તાનમાં નિકાસ થતી અન્ય ચીજોમાં કાર્બનિક રસાયણો, દવાઓ, ખાંડ અને કન્ફેક્શનરીનો સમાવેશ થાય છે.
પાકિસ્તાન માટે અટારી-વાઘા સરહદ એકમાત્ર ભારત તરફથી જમીન વેપાર માર્ગ છે.
અમૃતસરથી માત્ર 28 કિલોમીટર દૂર સ્થિત અટારી ભારતનું પ્રથમ જમીન બંદર છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે વેપાર ફક્ત અટારી-વાઘા સરહદ દ્વારા જ થાય છે, તેથી 120 એકરમાં ફેલાયેલો અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ-1 સાથે સીધો જોડાયેલો આ ચેક પોઇન્ટ વેપારમાં ખાસ કરીને અફઘાનિસ્તાનથી થતી આયાતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે.
તે પણ મહત્વનું છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં અટારી-વાઘા કોરિડોર પર વેપાર ઘણાં ઉતાર-ચઢાવમાંથી પસાર થયો છે. જ્યારે વર્ષ 2017-18 અને વર્ષ 2018-19માં વેપાર 4100-4300 કરોડ રૂપિયાની વચ્ચે હતો, તે વર્ષ 2019-20માં ઘટીને 2772 કરોડ રૂપિયા અને વર્ષ 2020-21માં 2639 કરોડ રૂપિયા થયો.
વર્ષ 2022-23માં વેપારમાં વધુ ઘટાડો થયો અને તે માત્ર 2257.55 કરોડ રૂપિયાનો રહ્યો. જોકે 2023-24માં એક મોટો ઉછાળો સાથે બન્ને દેશો વચ્ચેનો વેપાર વધીને 3886 કરોડ રૂપિયા થયો. 2023-24માં આ માર્ગ પરથી 6,871 ટ્રકો પસાર થયા અને મુસાફરોની અવરજવર 71,563 નોંધાઈ.
પહેલગામ આતંકવાદી હુમલા પછી, ભારતે પાકિસ્તાનની આ ગળાની નસ દબાવી દીધી છે અને 1960 ની સિંધુ જળ સંધિને અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધી છે. ભારતના આ પગલા પછી, 40 ડિગ્રી તાપમાનનો સામનો કરી રહેલા પાકિસ્તાનનું ગળું સુકાવા લાગ્યું છે.પાકિસ્તાનના મંત્રીઓ બડાઈ મારતા નિવેદનો આપી રહ્યા છે, સુરક્ષા નિષ્ણાતો સિંધુ જળ સંધિ અને સંયુક્ત રાષ્ટ્રનો ઉલ્લેખ કરી રહ્યા છે. તેથી સુરક્ષા નિષ્ણાતો બાલાકોટના ડરામણા દિવસોને યાદ કરી રહ્યા છે.