યુરોપિયન કમિશન દ્વારા એપલ-મેટાને ડિજિટલ સ્પર્ધાના નિયમ ભંગ બદલ 6800 કરોડનો જંગી દંડ ફરકાર્યો

સોશિયલ મીડિયા પર શેર કરો

યુરોપિયન યુનિયન એપલ અને મેટા કંપની પર મસમોટો દંડ ફટકાર્યો છે. EUએ બંને કંપનીઓ પર 700 મિલિયન યુરો (લગભગ 6,823 કરોડ રૂપિયા)નો દંડ ફટકાર્યો છે. તમને જણાવી દઈએ કે એપલને 500 મિલિયન યુરો (લગભગ 4874.25 કરોડ રૂપિયા) અને મેટાને 200 મિલિયન યુરો (લગભગ 1949.70 કરોડ રૂપિયા)નો દંડ ફટકારવામાં આવ્યો છે. આ દંડ યુરોપિયન યુનિયન એન્ટિટ્રસ્ટ રેગ્યુલેટર દ્વારા કરવામાં આવ્યો છે.

મેટાએ ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામમાં પર્સનલાઇઝ્ડ એડ જોવા અથવા તો તે ન જોવાનું પસંદ કરવા માટે પેમેન્ટની માગ કરી હતી.જો કે આ વખતે ફટકારવામાં આવેલા દંડ અગાઉના અબજો ડોલરના દંડ કરતાં ઓછો હતો. અગાઉ ઇયુએ મોટી ટેક કંપનીઓને એન્ટિ ટ્રસ્ટ કેસમાં અબજો ડોલરનો દંડ ફટકાર્યો હતો. એપલ અને મેટાએ આ ચુકાદાનો 60 દિવસમાં પાલન કરવાનું રહેશે. આ નિર્ણય તો માર્ચમાં જ લેવાનો હતો, પરંતુ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે છેડેલી ટ્રેડ વોરના કારણે તેમા વિલંબ થયો હતો. ટ્રમ્પ વારંવાર ફરિયાદ કરતાં હોય છે કે બ્રસેલ્સના નિયમનો અમેરિકન કંપનીઓને અસર કરે છે.

એપલ અને ફેસબૂકને આ દંડ ઇયુ ડિજિટલ માર્કેટ્સ એક્ટ હેઠળ ફટકારવામાં આવ્યો છે. આ કાયદો ડીએમએ તરીકે પણ જાણીતો છે. બંને કંપનીઓએ સંકેત પાઠવ્યા છે કે તેઓ આ ચુકાદા સામે અપીલમાં જશે. એપલનો આરોપ છે કે કમિશન તેમને અયોગ્ય રીત લક્ષ્યાંક બનાવી રહ્યું છે અને જણાવ્યું હતું કે કંપનીના નિયમોનું પાલન કરવાના પ્રયત્નો છતાં તે સતત ગોલપોસ્ટ બદલતું રહ્યું છે.

મેટાના ચીફ ગ્લોબલ અફેર્સ ઓફિસર જોએલ કલ્પને જણાવ્યું હતું કે કમિશન ગણ્યગાંઠયા સફળ અમેરિકન કારોબારોને પંગુ બનાવી દેવા માંગે છે. તેની સાથે તે યુરોપીયન અને ચાઇનીઝ કંપનીઓને છૂટ આપે છે. આ તેઓના બેવડા ધોરણો છે. કમિશનના પ્રવક્તા થોમસ રેગ્નિયરે જણાવ્યું હતું કે અમને કંપનીના માલિક કોણ છે તેની જરા પણ પરવા નથી, પછી તે અમેરિકન હોય, યુરોપીયન હોય, ચાઇનીઝ હોય કે ગમે તે હોય. અમારે ફક્ત નિયમોનું પાલન થાય તે જોવાનું છે. 

આ મામલે મેટાએ પણ EUના આ નિર્ણયની ટીકા કરી છે. કંપની દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ‘યુરોપિયન કમિશન સફળ અમેરિકન વ્યવસાયોને અવરોધવાનો પ્રયાસ કરી રહ્યું છે, જ્યારે ચીની અને યુરોપિયન કંપનીઓને અલગ અલગ ધોરણો હેઠળ કામ કરવાની મંજૂરી આપવામાં આવી રહી છે.’ મેટાએ કહ્યું, ‘આ દંડ વિશે નથી, કમિશન અમારા પર બિઝનેસ મોડેલ બદલવા માટે દબાણ કરી રહ્યું છે.’ મેટા પર કરોડો ડોલરના ટેરિફ લાદીને, અમે હલકી ગુણવત્તાવાળી સેવા પૂરી પાડવાની અપેક્ષા રાખીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *