વોશિંગ્ટન,
અમેરિકામાં પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ ફરી એકવાર મોટાપાયે આંદોલન શરૂ થયું છે જેમાં વસાહતિઓ વિરૂદ્ધની નીતિ ઉપરાંત સરકારી તંત્રમાં કરાયેલી સામુહિક છટણી અને યુક્રેન યુદ્ધ તથા ગાઝા યુદ્ધ અંગેની નીતિના વિરોધમાં ન્યૂયોર્કથી સાનફ્રાંસિસ્કો સુધી પ્રચંડ દેખાવો કરવામાં આવ્યા હતા.
આ અંગે મીડિયા સૂત્રોના અહેવાલ જણાવે છે કે પોતાને ૫૦૫૦૧ તરીકે દર્શાવતા સમુહે ટ્રમ્પની સામે જબરજસ્ત વિરોધ ઉઠાવ્યો છે. ૫૦-૫૦-૧ એટલે પચાસ રાજ્યોમાં થતાં પચાસે પચાસ વિરોધ પ્રદર્શનો એક બની આ આંદોલનોનું નેતૃત્વ લઇ રહ્ય છે.
આ વર્ષે તારીખ ૨૦ જાન્યુ.એ ટ્રમ્પે ઓવલ ઓફીસમાં પદ સંભાળ્યું ત્યારથી તેઓએ અમેરિકા ફર્સ્ટ નીતિના ભાગરૂપે વિદેશોમાંથી આવીને વસેલા લાખ્ખો વસાહતિઓને દેશ બહાર કાઢવાની શરૂઆત કરી હતી. આ વસાહતીઓ લાખ્ખો અમેરિકનોના પાડોશીઓ આ મિત્રો પણ હતા, તેમને દૂર કરવા સામે લાખ્ખો અમેરિકનો એ રીતસર બગાવત જ ઉઠાવી છે. બીજી તરફ ફેડરલ ગર્વનમેન્ટના હજ્જારો કર્મચારીઓની છટણી થતાં તેઓ ધૂંધવાયા છે. તો ગાઝામાં મોતનું તાંડવ ખેલી રહેલાં ઇઝરાયેલને સ્ટીમરો ભરી અપાતાં શસ્ત્રો અને યુક્રેન યુદ્ધમાં રશિયાને (પુતિનને) ટ્રમ્પે આપેલાં પીઠબળનો આ નાગરિકો વિરોધ કરી રહ્યા છે.
શનિવારે સાંજે વ્હાઇટ હાઉસની સામે જ યોજાયેલા આ દેખાવોમાં દેખાવકારો નારા લગાવતા હતા જેમાં બોલતા હતા. સત્તા તો કામદારોના હાથમાં જ રહેવી જોઇએ. રાજાશાહી નહીં આવે. ઇઝરાયલને શસ્ત્રો આપવાનું બંધ કરો. દેખાવકારો તેમની સાથે તે લખાણવાળાં પ્લેકાર્ડઝ પણ તેમણે રાખ્યાં હતાં.
આવાં પ્લેકાર્ડઝ સાથે મેનહટન (ન્યૂયોર્ક)થી સાનફ્રાંસિસ્કો સુધીનાં દેશનાં પચાસ જેટલાં મોટાં શહેરોમાં દેખાવકારોએ માર્ગો ઉપર રેલીઓ કાઢી હતી. આ પૂર્વે પણ ત્રણ રેલીઓ યોજાઈ હતી. તેમાં પણ આ પ્રકારના જ દેખાવો યોજાયા હતા. પરંતુ આ વખતની રેલીઓ તો સૌથી જબરજસ્ત હતી.
આ દેખાવકારોનો સૌથી વધુ વિરોધ તો વસાહતીઓને રીતસર દેશનિકાલ કરવાના અને તે પણ અત્યંત કઠોરતાપૂર્વક તેમને દેશનિકાલ કરાતાં સમગ્ર દેશમાં જબરજસ્ત વિરોધ થઇ રહ્યો છે.
વ્હાઇટ હાઉસની બહાર ઊભેલા દેખાવકારો પૈકીના એક પ્રદર્શનકારીએ પત્રકારોને જણાવ્યું હતું કે ટ્રમ્પ અને તેનાં વહીવટી તંત્રે યુદ્ધનાં ધોરણે કાર્યવાહી કરી રહ્યું છે પરંતુ અમે અમારા વસાહતીઓ જેઓ અમારા પાડોશિયો પણ છે. તેમને બચાવવા સતત જાગૃત રહીશું. ટૂંકમાં ટ્રમ્પ ફરતો ઘેરો મજબૂત થતો જાય છે તે પણ હકીકત છે.