વોશિંગ્ટન,
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની તકલીફોમાં વધારો થઈ શકે છે, એક ભારતીય અને અન્ય ત્રણ વિદ્યાર્થીઓએ ટ્રમ્પ વહીવટીતંત્ર વિરુદ્ધ દાવો દાખલ કર્યો છે. આ ચાર વિદ્યાર્થીઓને અમેરિકાથી દેશનિકાલ કરવાની યોજના હતી અને હવે તેમણે પોતાનો કાયદેસર દરજ્જો પાછો મેળવવા માટે કોર્ટમાં અપીલ કરી છે.
મહત્વનું છે કે, આ ઘટનાક્રમ એવા સમયે આવ્યો છે જ્યારે ટ્રમ્પ વહીવટીતંત્રે કેમ્પસ એક્ટિવિઝમને કારણે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના વિઝા રદ કરવાનું શરૂ કર્યું છે. ભારતીયો સહિત અનેક વિદ્યાર્થીઓને તેમના વતન પાછા ફરવા માટે ઇમેઇલ મોકલવામાં આવ્યા છે. દુકાનોમાંથી સામાન ચોરી કરવા અથવા ટ્રાફિક નિયમો તોડવા જેવા નાના ગુનાઓના આરોપી વિદ્યાર્થીઓને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
વેઇન સ્ટેટ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ભારતના ચિન્મય દેવરે, ચીનના જિયાંગ્યુન બુ અને ક્વિ યાંગ અને નેપાળના યોગેશ જોશીએ હોમલેન્ડ સિક્યુરિટી અને ઇમિગ્રેશન અધિકારીઓ સામે દાવો દાખલ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો છે કે સ્ટુડન્ટ એન્ડ એક્સચેન્જ વિઝિટર ઇન્ફર્મેશન સિસ્ટમ (SEVIS)માં તેમનો સ્ટુડન્ટ ઇમિગ્રેશન સ્ટેટસ કોઈપણ સૂચના કે કારણ વગર ખોટી રીતે સમાપ્ત કરવામાં આવ્યો હતો.
SEVIS ડેટાબેઝમાં અમેરિકામાં બિન-ઇમિગ્રન્ટ વિદ્યાર્થીઓ વિશેની માહિતી શામેલ છે. આનો અર્થ એ થયો કે આ વિદ્યાર્થીઓનો અમેરિકામાં હવે કાયદેસર દરજ્જો રહેશે નહીં અને તેમણે તાત્કાલિક દેશ છોડીને પાછા જવું પડશે. આ દાવો અમેરિકન સિવિલ લિબર્ટીઝ યુનિયન (ASLU) દ્વારા વિદ્યાર્થીઓ વતી મિશિગનના પૂર્વીય જિલ્લાની યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો હતો.
વિદ્યાર્થીઓએ કોર્ટને તેમનો કાનૂની દરજ્જો પુનઃસ્થાપિત કરવા વિનંતી કરી અને કહ્યું કે, ‘અમારા પર ન તો કોઈ ગુનાનો આરોપ મૂકવામાં આવ્યો છે અને ન તો કોઈ ઇમિગ્રેશન કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. અમે કોઈપણ રાજકીય મુદ્દા પર કેમ્પસમાં થઈ રહેલા કોઈપણ વિરોધ પ્રદર્શનમાં સક્રિય નથી.’