અમેરિકા અને ચીન; બે મહાસત્તા વચ્ચે ટેરિફ વૉર ગાઢ બનતા સમગ્ર વિશ્વમાં તણાવ વધ્યો

સોશિયલ મીડિયા પર શેર કરો

વોશિંગ્ટન,

અમેરિકા અને ચીન વચ્ચેનો વેપાર યુદ્ધ હવે ખતરનાક સ્તરે પહોંચી ગયો છે. ચીનની બદલાની કાર્યવાહીથી ગુસ્સે ભરાયેલા અમેરિકાએ હવે તેના પર 245% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આનો અર્થ એ થયો કે ચીનથી અમેરિકા આવતા માલ હવે ઘણા મોંઘા થઈ જશે. ડોનાલ્ડ ટ્રમ્પનું આ પગલું ચીની કંપનીઓ માટે મોટો ફટકો હશે જેમના માટે અમેરિકા એક મોટું બજાર છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફનીતિથી દુનિયા ભરમાં હલચલ મચી ગઇ છે. સરેરાશ ૧૦ ટકા ટેરિફ તમામ દેશો પર નાખ્યું છે પરંતુ ચીન અને અમેરિકા વચ્ચેનું ટેરિફ વૉર બની ગયું છે. બંને દેશો વચ્ચેનો વેપાર સંઘર્ષ દિન પ્રતિદિન વધતો જાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર ટ્રમ્પના કાર્યાલય વાઇટ હાઉસ દ્વારા ચીન પર ૨૪૫ ટકા ટેરિફ નાખવાની જાહેરાત કરવામાં આવી છે.

મંગળવારની રાત્રીએ વાઇટહાઉસ દ્વારા એક તથ્યપત્રક વિસ્તૃત રીતે રજૂ કરવામાં આવ્યું જેમાં જણાવાયું હતું કે આ વધુ ટેરિફ બેઇજિંગના નિકાસ પ્રતિબંધો અને પ્રતિશોધાત્મક ટેરિફના જવાબમાં લાદવામાં આવ્યું છે. ચીને હવે પોતાની જવાબી કાર્યવાહીના પરિણામ સ્વરુપ આયાતી ચીજ વસ્તુઓ ઉપર ૨૪૫ ટકા ટેરિફનો સામનો કરવો પડશે. 

ચીન પર ટેરિફનું દબાણ અમેરિકાની ફર્સ્ટ ટ્રેડ પોલિસીનો એક ભાગ છે. ટ્રમ્પ પ્રશાસને ચીન પર ગેલિયમ,જર્મેનિયમ અને એન્ટીમની સહિતની મહત્વપૂર્ણ ઉચ્ચ ટેકનીક સામગ્રી પર જાણી જોઇને પ્રતિબંધ મુકવાનો આરોપ લગાવ્યો હતો. આ તત્વ સૈન્ય, એરોસ્પેસ અને સેમી કન્ડકટર જેવા ઉધોગો માટે મહત્વપૂર્ણ છે. તાજેતરમાં ચીને છ દુલર્ભ મિનરલને નિકાસ પર પ્રતિબંધ મુકીને અમેરિકાને આંચકો આપ્યો છે.

દુનિયાના રેર અર્થ મિનરલના વિશ્વ બજારમાં ચીન ૭૦ ટકા જેટલો હિસ્સો ધરાવે છે. આથી ચીનનું પગલું અમેરિકા માટે નુકસાનકારક સાબીત થઇ શકે છે. અગાઉ ગત અઠવાડિયે ચીને અમેરિકા પર કાર્યવાહી કરીને ટેરિફ ૧૨૫ ટકા વધારી દીધું હતું. આ કદમ રાષ્ટ્રપતિ ટ્રમ્પના ૧૪૫ ટકા ટેરિફના જવાબમાં ભરવામાં આવ્યું હતું. ચીનને છોડીને દરેક દેશ માટે અમેરિકાએ નિયત ટેરિફનો અમલ ૯૦ દિવસ માટે મોકૂફ રાખીને ચીન પર કાર્યવાહી ચાલુ જ રાખી છે. 

હવે ચીને અમેરિકન કંપની બોઇંગને સપ્લાય અને અમેરિકાને લક્ઝુરિયસ સામાનનો પુરવઠો અટકાવતા ભૂંરાટા થયેલા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેના પરનો ૧૪૫ ટકા ટેરિફ હવે સીધો ૨૪૫ ટકા કરી નાખ્યો છે. 

ટ્રુથ સોશિયલ પર ટ્રમ્પે મંગળવારે જણાવ્યું હતું કે ચીને બોઇંગનું મોટું ડીલ નકાર્યું છે. તેઓ હવે પહેલેથી થયેલા ડીલ મુજબનું એરક્રાફ્ટ લેવા તૈયાર નથી. ચીને તેની વિમાની કંપનીઓને જણાવી દીધું છે કે તે અમેરિકન એરક્રાફ્ટ મેન્યુફેક્ચરર બોઇંગ પાસેથી પ્લેનોની ડિલિવરી ન લે. તેમણે ચીન સામેની ટ્રેડ વોરમાં અમેરિકાનું અને ખેડૂતોનું રક્ષણ કરવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. 

તેની સાથે ટ્રમ્પે અમેરિકા રાષ્ટ્રીય સુરક્ષા માટે જરૂરી હોય તેવા કયા દુર્લભ ખનીજોની અને તેના ડેરિવેટિવ પ્રોડક્ટ્સની આયાત કરે છે અને આવી કઈ આયાત જોખમમાં મૂકાઈ છે તેની તપાસ કરવાનો આદેશ જારી કર્યો છે. આ દરમિયાન ચીને તેના વાણિજ્યા વિભાગના આંતરરાષ્ટ્રીય વેપાર પ્રતિનિધિ તરીકે લી ચેન્ગેંગની નિમણૂક કરી છે. તેઓ આંતરરાષ્ટ્રીય વાટાઘાટો કરવાનો દાયકાનો અનુભવ ધરાવે છે. આ ઉપરાંત તેવ ર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનમાં ચીનના પ્રતિનિધિ તરીકે પણ કામ કરી ચૂક્યા છે. ચીને આ પગલંે ત્યારે લીધું છે જ્યારે ટ્રમ્પે જણાવ્યું હતું કે ટેરિફની મડાગાંઠનો અંત લાવવા વાટાઘાટો માટેની પહેલ ચીને કરવાની છે અમારે નહીં. 

આ પૂર્વે ચીને અમેરિકાના માલની આયાત ઉપર ૧૨૫ ટકા ટેરિફ લાદ્યો હોવાથી તેના વળતા પ્રહાર તરીકે ટ્રમ્પે આ પગલું ભર્યું છે. આ અંગે વ્હાઇટ-હાઉસે જાહેરાત પણ કરી દીધી છે. ટ્રમ્પનું આ પગલું ‘અમેરિકા ફર્સ્ટ ટ્રેડ પોલિસી’ના ભાગરૂપે છે.

વાસ્તવમાં ચીને પૂરી ગણતરીપૂર્વક, ગેલિયમ, જર્મેનિયમ, એન્ટિમની અને બિસ્મથ જેવી ‘રેર-અર્થસ’ની અમેરિકામાં નિકાસ કરવા ઉપર પ્રતિબંધ મુક્યો હતો. તેમાં કોબાલ્ટ પણ સમાવિષ્ટ છે.

આ ધાતુઓ વિમાન બનાવવામાં તેમજ શસ્ત્ર ઉદ્યોગમાં અત્યંત ઉપયોગી છે. તે અત્યંત પ્રબળ મેગ્નેટ ઓલમિકો-એલ્યુમિનિયમ, નિકલ, કોબાલ્ટ-મેગ્નેટ બનાવવામાં અત્યંત ઉપયોગી છે.

આ અંગે વ્હાઇટ હાઉસે પ્રસિદ્ધ કરેલાં નિવેદનમાં જણાવવામાં આવ્યું છે, થોડા મહીનાઓ પૂર્વે ચીને અમેરિકામાં ગેલિયમ, જર્મેનિયમ, એન્ટીમની, બિસ્મથ અને અન્ય મહત્વની કુલ છ ‘રેર અર્થસ્’ અને રેર-અર્થ-મેગ્નેટ માટેની ધાતુઓની અમેરિકામાં કરાતી નિકાસ પર પ્રતિબંધ મુક્યો હતો. તેથી વિમાન ઉત્પાદન, ઓટો, એરો-સ્પેસ-મેન્યુફેકચર્સ, સેમિકન્ડકટર કંપનીઝ અને મિલિટરી કોન્ટ્રેકટર્સને મુશ્કેલી ઉભી થઈ છે.

ચાયનાએ અમેરિકાના માલ ઉપર ૧૨૫ ટકા આયાતવેરો નાંખ્યો તે સામે અમેરિકાએ પહેલાં ૧૪૫ ટકા આયાતવેરો (ટેરિફ) લાદ્યો હતો પરંતુ હવે ચીને જરા પણ મચક ન આપતાં તેના માલ ઉપર ટ્રમ્પે ૨૪૫ ટકા ટેરિફ ફટકારી દીધો છે. પરંતુ અન્ય દેશો ઉપર ટેરિફ અંગે ૯૦ દિવસનું મોરેટોરિયમ રાખ્યું છે, આ નવા ટેરિફ અંગે ટ્રમ્પ વહીવટીતંત્રે અન્ય દેશોને બાકાત રાખ્યા છે, સાથે તેમ પણ કહ્યું છે કે તેઓ સાથે મંત્રણા ચાલી રહી છે. (ભારત સહિત) ૭૫ દેશોએ નવા ‘ટેરિફ’ અંગે અમેરિકા સાથે મંત્રણા કરવા કેહણ મોકલ્યાં છે.

આ સાથે વ્હાઈટ-હાઉસે તેમ પણ જાહેર કર્યું છે કે, હવે આવી મહત્વની ધાતુઓ અંગે અન્ય દેશો ઉપર આધાર રાખવાને બદલે અમેરિકા તેના દેશમાંથી જ કે વધુમાં વધુ સાથી રાષ્ટ્રોમાંથી આ ધાતુઓ પ્રાપ્ત કરવાનું છે. તે વિદેશો ઉપર બહુ આધાર રાખવા માગતું નથી.

પ્રમુખ ટ્રમ્પે તેઓની આ બીજી ટર્મમાં વ્યાપારમાં બદલાવ લાવવા તેમજ અમેરિકી ઉદ્યોગોને સપ્લાય ચેનલ યથાવત્ રાખી અમેરિકાના ઉદ્યોગોને બચાવવા કમર કસી છે.

ચીનની કઈ કઈ ચીજોની આયાત ઉપર ૨૪૫ ટકા જેટલો ટેરિફ લદાશે, તેની યાદી હજી જન સામાન્યને તેમજ મીડીયાને જાહેર કરાઈ નથી પરંતુ વિશ્લેષણકારો કહે છે કે, આટલા બધા આયાત કર (ટેરિફ)ની અનેક વપરાશી ચીજો તેમજ ઔદ્યોગિક ઉત્પાદનો ઉપર તેની ગંભીર અસર થશે.

મહત્વનું છે કે, અમેરિકા અને ચીન વચ્ચે વધતો તણાવ ફક્ત બે દેશો પૂરતો મર્યાદિત રહેશે નહીં. આના કારણે, ભારત સહિત સમગ્ર વિશ્વ કોઈને કોઈ રીતે પ્રભાવિત થવાની સંભાવના છે. નિષ્ણાતો માને છે કે વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ વચ્ચે વધતો તણાવ વૈશ્વિક અર્થતંત્ર માટે સારો નથી. ભારત જેવા એશિયન બજારો ભાગ્યે જ મજબૂતાઈ મેળવી શક્યા છે, આવી સ્થિતિમાં જો તણાવ વધશે તો તેમના માટે પરિસ્થિતિ મુશ્કેલ બની જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *