સુરત,
ફરી એકવાર સુરત પોલીસ દેવદૂત બની હોય તેનો દાખલો જોવા મળ્યો હતો જેમાં, સારોલી વિસ્તારમાં ખેતરમાં રહેતી યુવતીએ ઝેરી દવા પીધી હોવાની જાણ થતાની સાથે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ખેતરની ઓરડીમાં યુવતી બેભાન હાલતમાં જોવા મળી હતી. પોલીસવાન કે એમ્બ્યુલન્સ ઘટનાસ્થળ સુધી જઈ ન શકતા પોલીસકર્મીએ પોતાના ખભા પર યુવતીને ઉંચકીને પોલીસવાન સુધી પહોંચાડી હતી. જ્યારે રસ્તામાં જ એમ્બ્યુલન્સ આવી જતાં યુવતીને તેમાં હોસ્પિટલ લઈ ગયા હતા. યુવતીને તાત્કાલિક સારવાર મળી જતા તેનો જીવ બચી ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને સુરતના ઉચ્ચ પોલીસ અધિકારીએ પોલીસકર્મીની કામગીરીને બિરદાવી હતી.
આ સમગ્ર ઘટના અંગે વાત કરીએ તો, સારોલીમાં ગઈકાલે 15 એપ્રિલના રોજ ખેતરમાં રહેતી યુવતીએ ઝેરી દવા પી લીધી હોવાનો પોલીસ કંટ્રોલરૂમમાં ફોન આવ્યો હતો. ઘટનાની જાણ થતાની સાથે અજમલભાઈ વર્દાજી પોલીસવાન લઈને તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. જ્યાં ખેતરમાં ઝૂંપડીમાં યુવતી બેભાન હાલતમાં મળી આવી હતી. જોકે, ખેતરમાં કાદવ-કીચડ હોવાથી એમ્બ્યુલન્સ કે પોલીસવાન પહોંચી શકે તેમ ન હતી, એટલે તાત્કાલિક અજમલભાઈ યુવતીને પોતાના ખભા પર ઉંચકીને પોલીસવાન સુધી લઈ ગયા હતા. આ પછી રસ્તામાં એમ્બ્યુલન્સથી યુવતીને સિમ્મેર હોસ્પિટલ લઈ જવામાં આવી હતી અને જ્યારે રસ્તામાં લઈ જતી વખતે યુવતી ભાનમાં રહે તે માટે પોલીસકર્મીએ યુવતી સાથે સતત વાતચીત શરૂ રાખી હતી. તાત્કાલિક યુવતીને સારવાર મળી રહેતાં તેનો જીવ બચી ગયો હતો. સમગ્ર ઘટનામાં પોલીસની સી ટીમે યુવતીનું કાઉન્સેલિંગ કર્યું હતું અને કર્મનીષ્ઠ પોલીસકર્મીની કામગીરીને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ બિરદાવી હતી.