પાટણ,
પાટણ જિલ્લાના ઝીલિયામાં ગાંધી આશ્રમ ખાતે ગુરૂવારે (10 એપ્રિલ) પદ્મશ્રીથી સન્માનિત માલજીભાઈ દેસાઈ અને તેમના પુત્ર લાલભાઈ દેસાઈ પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં આશ્રમમાં ફરજ બજાવતા એક ક્લાર્કે પોતાના ભત્રીજાને નોકરીએ રાખવાની બાબતે હોબાળો મચાવ્યો હતો. કલાર્કે અન્ય બે વ્યક્તિઓ સાથે મળીને ધોકાલાકડીઓ લઈ આશ્રમમાં પ્રવેશ કર્યો અને તોડફોડ કરી હતી.
આ સમગ્ર ઘટના દરમિયાન માલજીભાઈ દેસાઈ અને લાલભાઈ દેસાઈને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. આશ્રમની આસપાસના લોકો તુરંત ઘટનાસ્થળે દોડી આવતા ત્રણેય આરોપીઓ ભાગી ગયા હતાં.
આ ઘટના બાબતે સમાચાર મળતા જ ચાણસ્મા પોલીસને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે આરોપીઓ કનુંધરમસી દેસાઈ, પ્રવીણ દેસાઈ અને દશરથ દેસાઈ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.