ગયા,
બિહારના ગયા જીલામાં અતરી પોલીસ સ્ટેશનની હદમાં સવારે લગભગ નવ વાગ્યે કેન્દ્રીય મંત્રી જીતન રાન માંઝીની પૌત્રી સુષ્મા દેવીને તેના જ પતિએ ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. પોતાની પત્ની ને ગોળી માર્યા બાદ પતિ રમેશ સિંહ ફરાર થઈ ગયો હતો.
કેન્દ્રીય મંત્રીની પૌત્રીની હત્યા બાદ તેની નાની બહેન હેતબાઈ ગઈ હતી. મૃતક સુષ્મા કુમારી ટેટુઆ પંચાયતની વિકાસ મિત્ર હતી. તેને સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ડોક્ટર્સે તેને મૃત જાહેર કરી હતી. સમગ્ર ઘટનાની સૂચના મળતાં અતરી પોલીસ સ્વાસ્થ્ય કેન્દ્ર પહોંચી હતી. પોલીસે આરોપીની ધરપકડ માટે તપાસ હાથ ધરી છે. શબને પોસ્ટમોર્ટમ માટે મગધ મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યું છે. હત્યામાં વપરાયેલ બંદૂક જપ્ત કરવામાં આવી છે.
મૃતક સુષ્મા દેવીની બહેન પુનમ કુમારીએ જણાવ્યું હતું કે, રમેશ બહારથી આવ્યો અને મારી બહેનને રૂમમાં ઢસેડીને લઈ ગયો. ત્યાં રૂમ બંધ કરી તેને ગોળી મારી બહાર આવ્યો અને ફરાર થઈ ગયો. તેને આકરી સજા થવી જોઈએ. રમેશ મારી બહેન પર શંકા કરતો હતો. જેના લીધે અવારનવાર તેની સાથે ઝઘડા કરતો હતો. જો કે, પોલીસે હત્યા પાછળના કારણ મુદ્દે હાલ કોઈ સ્પષ્ટતા કરી નથી.
આ ઘટના બાબતે પોલીસે જણાવ્યું હતું કે, સુષ્મા દેવી (ઉ.વ. 32)નો પતિ રમેશ સિંહ બુધવારે ઘરે પરત ફર્યો હતો. તે ઘરે આવી સુષ્માને જબરદસ્તીપૂર્વક રૂમમાં ઢસેડી ગયો હતો. અને રૂમ બંધ કરી દીધો હતો. બાદમાં ઝઘડો કરી સુષ્માની છાતી પર ગોળી ધરબી દીધી હતી. જ્યાં સુષ્માનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અમે એફએસએલ અને ટેક્નિકલ સેલની મદદ સાથે તપાસ હાથ ધરી છે.