ટ્રેડ વોર તીવ્ર બનવાના એંધાણ : ચીને લાદેલો 34 ટકા ટેરિફ પરત ન ખેંચતા અમેરિકાએ તેના પર ટેરિફ નાખ્યો

સોશિયલ મીડિયા પર શેર કરો

ટેરિફ મુદ્દે હવે અમેરિકા અને ચીન આમને-સામને આવી ગયા છે, આજે ચીન પર નવા ટેરિફ 104 ટકા સુધી પહોંચી જશે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનથી આયાત થતા ઉત્પાદનો પર 104 ટકા સુધીનો ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે, જે મંગળવારે અડધી રાત્રિથી એટલે કે 9 એપ્રિલથી લાગુ થશે. આ જાહેરાત ચીન દ્વારા અમેરિકન ઉત્પાદનો પર 34 ટકા વધારાનો ટેરિફ લગાવ્યા બાદ કરાઈ છે. ટ્રમ્પે પહેલા જ ચેતવણી આપી હતી કે, જો ચીન 8 એપ્રિલ સુધીમાં ટેરિફ નહીં હટાવે તો તેના પર 50 ટકા વધારાનો ટેરિફ લગાવવામાં આવશે.

ચીને તેના પર પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, તેઓ અંત સુધી લડાઈ કરશે અને અમેરિકન ટેરિફ વધારા સામે કડક પગલા ભરશે. નિષ્ણાંતોનું માનવું છે કે, આ ટ્રેડ વૉરથી વૈશ્વિક બજારોમાં અસ્થિરતા વધી શકે છે અને અમેરિકામાં વસ્તુઓના ભાવ વધી શકે છે.

ત્યારે ચીને પણ અમેરિકન ધમકીનો જવાબ આપતા જણાવ્યું હતું કે અમેરિકાના દબાણની સામે અમે જરા પણ ઝૂકીશું નહીં. અમે ટ્રેડ વોરનો સામનો કરવા માટે પૂર્ણપણે તૈયાર છીએ. ચીને અમેરિકા પર ટેરિફ દ્વારા આર્થિક પ્રભુત્વનો આરોપ લગાવ્યો હતો. 

ચીનની આયાતો પર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વધારાના પચાસ ટકા ટેરિફ લાદવાની આપેલી ધમકીના પ્રતિસાદમાં બેઈજિંગે છેલ્લે સુધી લડી લેવાની પ્રતિજ્ઞાા લેતા અમેરિકા અને ચીન વચ્ચેનો તણાવ વધુ તીવ્ર બન્યો છે. પ્રસ્તાવિત વધારાથી અમેરિકામાં આવતા ચીની ઉત્પાદનો પરની કુલ ટેરિફ ૧૦૪ ટકા થઈ જશે. ચીને અમેરિકાના પગલાને બ્લેકમેલ તરીકે તેમજ ભૂલ પર વધારાની ભૂલ તરીકે ગણાવીને પોતાની સાર્વભૌમત્વ તેમજ આર્થિક હિતોના રક્ષણ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

ચીનના વિદેશ અને વેપાર મંત્રાલય બંનેએ વોશિંગ્ટનની આક્રમક ટેરિફ નીતિની ટીકા કરી છે. મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે ટ્રેડ વોરમાં કોઈ વિજેતા નથી હોતું અને રક્ષણાત્મકતા કોઈ વ્યવહારુ ઉકેલ નથી. તેમણે સ્પષ્ટતા કરી કે ચીન સંઘર્ષ નથી ઈચ્છતું પણ તેનાથી દૂર પણ નહિ ભાગે. એક જોરદાર પ્રતિસાદ આપતા તેમણે જાહેરાત કરી કે ચીન સાથે ધમકી અથવા દબાણથી વ્યવહાર નહિ થઈ શકે અને અમેરિકા વિવાદ ઉગ્ર બનાવશે તો ચીન તેનો મક્કમતાથી જવાબ આપશે.

ચીન અમેરિકાની વસ્તુઓ પર તેની વધારાની ૩૪ ટકા વળતી ટેરિફ પાછી નહિ ખેંચે તો તેના પ્રતિસાદમાં અમેરિકા પચાસ ટકાનો વધારો કરશે તેવી ટ્રમ્પની ચેતવણી પછી આ તણાવ વધુ ઉગ્ર બન્યો છે. અમેરિકાની ચીન સાથે વેપાર ખાધ ગયા વર્ષે ૨૯૫.૪ અબજ ડોલર રહી હતી જે ટ્રમ્પની વ્યૂહરચનામાં મુખ્ય દબાણનો મુદ્દો છે. જો કે આર્થિક નિષ્ણાંતોએ ચેતવણી આપી છે કે લાંબી ટ્રેડ લડાઈ ચીનના અર્થતંત્રને નોંધપાત્ર નુકસાન પહોંચાડી શકે છે અને તેની જીડીપીમાંથી બેથી અઢી ટકાનો ઘસારો કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *