વડોદરા,
ગુમ થયેલા એક માસૂમ બાળકને તેના પરિવારજનો સાથે ભેગા કરવામાં વડોદરા પોલીસને સફળતા મળી છે. વડોદરાના જે.પી રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મળી આવેલા દસ વર્ષના કિશોરને તેના પરિવારજનો સાથે મેળાપ કરાવવા માટે પોલીસના પ્રયાસોને સફળતા મળી હતી.
શહેરના જુના પાદરા રોડ પર અક્ષર ચોક પાસે ગઈકાલે એક કિશોર રડી રહ્યો હોવાથી લોકોએ તેની પૂછપરછ કરી હતી, પરંતુ તેની ભાષા સમજાતી ન હતી. જે.પી રોડના પી.આઈને આ બાબતની જાણ થતા તેમણે ટીમ મોકલી હતી.
કિશોર ભોજપુરી ભાષા બોલતો હોવાનું પ્રાથમિક રીતે જણાઈ આવતાં પોલીસે કેટલાક પર પ્રાંતિય લોકોની મદદ લીધી હતી. આખરે એક દુભાષિયો કામમાં આવ્યો હતો. તેણે બાળક પાસેથી તેનો જિલ્લો અને ગામનું નામ જાણી લેતા પોલીસે ગામના સરપંચનો સંપર્ક કર્યો હતો.
સરપંચ પાસે ગુમ થયેલા બાળકની વિગતો પહેલેથી જ હતી. જેથી તેણે કિશોરનો પરિવાર તેને શોધવા વાપી ગયો હોવાની જાણ કરી તેના પિતાનો નંબર આપતા જે.પી રોડ પોલીસે મોબાઈલ પર સંપર્ક કરી કિશોરના પિતાને વડોદરા બોલાવી હેમખેમ સોપ્યો હતો.