ભરૂચ,
ભરૂચના ભોલાવ વિસ્તારમાં દૂધધારા ડેરી નજીક 29મી માર્ચે ગટરમાંથી અજાણી વ્યક્તિનું કપાયેલું માથું મળી આવ્યું હતું. બીજા દિવસે (30 માર્ચે) થોડે દૂર ગટરમાંથી અન્ય અંગ મળ્યા હતા. ત્યારેબાદ 31મી માર્ચે ગટરમાંથી માનવ મૃતદેહનો હાથ મળી આવ્યો હતો.
આ મામલે પોલીસ દ્વારા ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવતા આ માનવ શરીરના અંગોના રહસ્યનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. આ માનવ અંગો શ્રવણ ચોકડી નજીક રહેતા સચિન ચૌહાણના હોવાનું સામે આવ્યું છે. અલગ અલગ સ્થળો પરથી મળી આવેલ માનવ શરીરના અંગો દહેજની ખાનગી કંપનીમાં નોકરી કરતો અને શ્રવણ ચોકડી પાસે રહેતા સચિન ચૌહાણના હોવાનું સામે આવ્યું હતું. મૃતક ગુમ થયાની ફરિયાદ પણ 29મી માર્ચે નોંધાયેલ હતી.
ઉલ્લેખનીય છે કે, સતત ત્રણ દિવસથી માનવ શરીરના અંગો મળવાની ઘટનાથી પોલીસ પણ દોડતી થઈ હતી. ક્રૂરતાપૂર્વક હત્યા કરી પોલીસને ગુમરાહ કરવા શરીરનાં અંગો કાપી અલગ-અલગ સ્થળે નાખ્યા હોવાના પ્રાથમિક તારણ સાથે પોલીસે તપાસ હાથ ધરી હતી.
સાસરીમાં લગ્ન પ્રસંગ હોવાથી 1 માર્ચ 2025 નાં રોજ મૃતક સચિન ચૌહાણ, પત્ની પારુલબેન અને દીકરા સાથે ઉત્તર પ્રદેશ ખાતે વતનમાં ગયા હતા. જ્યાંથી મૃતક સચિને તેની પત્ની અને દીકરાને પિતાનાં ઘરે મૂકી પોતે ભરૂચ જવાનો હતો. પરંતુ, ભરૂચ ન પહોંચતા ફરિયાદીએ તપાસ આદરી હતી. દરમિયાન, મૃતકનાં ઘર પાસેથી ગટરમાંથી માનવ અંગ મળ્યા હોવાની જાણ થતાં મોહિત ચૌહાણને થતા તેઓ ભરૂચ આવ્યા હતા. માનવ અંગો પૈકી હાથની કોણી નીચેનાં ભાગ પર સચિન નામનું છૂંદણું કે જેને નાશ કરવામાં આવ્યું હતું પરંતુ, નામની બાજુમાં ત્રણ ટપકા પરથી ઓળખ થતા મૃતક સચિન ચૌહાણ હોવાનો ખુલાસો થયો હતો. હાલ ભરૂચની ઇલાબેન બીપીન રાજનાં મકાનમાં હરિધામ સોસાયટી તુલસીધામમાં રહેતા શૈલેન્દ્રસિંગ વિજય ચૌહાણે હત્યા કરી હોવાની શંકાના આધારે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીની ધરપકડનાં ચક્રોગતિમાન કર્યા છે.