બનાસકાંઠામાં ડીસાના ફટાકડાના ગોડાઉનમાં આગની દુર્ઘટના; 20 શ્રમિકોના મોત  

સોશિયલ મીડિયા પર શેર કરો

ડીસા, 

બનાસકાંઠામાં ડીસાના ઢુંવા રોડ પર એક ફટાકડાના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે. આ ઘટનાની જાણ થતાં જ ડીસા નગરપાલિકાના ફાયર ફાઈટરો અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે ગોડાઉન ધરાશાયી થઈ ગયું અને કામ કરી રહેલા શ્રમિકોના શરીરના ટુકડા થઈ ગયા હતા. મૃત્યુઆંક હજુ પણ વધવાની આશંકા છે. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે શ્રમિકોના અંગના ટુકડા દૂર દૂર સુધી ફેંકાયા હતા. 200 મીટર સુધી ફેક્ટરીનો કાટમાળ ફેલાયો હતો, જે હટાવવા માટે JCBની મદદ લેવાઈ હતી. વિસ્ફોટના કારણે ગોડાઉનની છત પણ ધરાશાયી થઈ ગઈ હતી. પાંચ જેટલા શ્રમિકોને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. 

ડિસાના ફટાકડાના ગોડાઉનમાં એક મોટા ધડાકા બાદ આગ ફફતી નીકળી હોવાનું અનુમાન લગવામાં આવેલ છે. ભયાનક આગને કારણે ઘટનાસ્થળે ભારે અફરાતફરી મચી ગઈ. બ્લાસ્ટ સમયે 20થી વધુ  લોકો ફેક્ટરીના ગોડાઉનમાં હતા. ભીષણ આગમાં ગોડાઉન માંથી 17 મૃતદેહ બહાર કઢાયા જ્યારે અન્ય 4 લોકોને ગંભીર ઇજા પંહોચતા તેમને તાત્કાલિક એમ્બ્યુલન્સ માં હોસ્ટિપલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર ઘટનાની તપાસ કરી રહ્યું છે.

આ ફટાકડાનું ગોડાઉન હોવાથી મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે. ગોડાઉન ની આસપાસના રહેવાસીઓ નું કહેવું છે કે અંહી મોટી સંખ્યામાં નાના છોકરાઓ પણ કામ કરે છે. આગ દુર્ઘટનામાં નાના નાના છોકરાઓ પણ મૃત્યુ પામ્યા છે. 

બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અને મંત્રી બળવંત સિંહ રાજપૂત સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે. સિવિલ હોસ્પિટલ ખાતે મંત્રીઓ અને અધિકારીઓને બેઠક યોજાઈ છે. બીજી તરફ ફેક્ટરીમાં કામ કરતા એક યુવાનની પૂછપરછ કરવામાં આવી રહી છે. 

તમામ મૃતકો મધ્ય પ્રદેશના રહેવાસી હોવાનું અનુમાન છે. મળતી માહિતી પ્રમાણે આ શ્રમિકો હાલમાં જ પૈસા કમાવવા માટે અહીં જોડાયા હતા અને મજૂરી કરતાં. મૃતકોની ઓળખ માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. 

આ મામલે બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું છે, કે ‘આજે સવારે અમને ડીસાના ઔદ્યોગિક ક્ષેત્રમાં ભયાનક વિસ્ફોટની જાણકારી મળી. ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. ઈજાગ્રસ્ત શ્રમિકોને હોસ્પિટલ લઈ જવાયા છે. વિસ્ફોટના કારણે ફેક્ટરીનો સ્લેબ ધરાશાયી થયો હતો.’ 

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડીસાની ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ‘X’ પર લખ્યું છે કે, ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં વિસ્ફોટ થવાથી આગ લાગવાના લીધે અને સ્લેબ ધરાશાયી થવાના લીધે શ્રમિકોના મૃત્યુની ઘટના હૃદયદ્રાવક છે. દુ:ખની આ ઘડીમાં મારી આત્મીય સંવેદના મૃતકોના સ્વજનોની સાથે છે. આ દુર્ઘટનામાં રાહત-બચાવ અને સારવારની કામગીરીને લઈને હું વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છું.’

આ ઘટના બાબતે સાંસદ ગેનીબેન ઠાકોરે મીડિયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ‘નિર્દોષ લોકોને શાંતિ મળે એવી પ્રાર્થના કરુ છું. રાજકોટ પછીની આ બીજી ગોઝારી ઘટના બની છે. વહીવટી તંત્રની મોટી ચૂક છે. મંજૂરી આપતી વખતે શું ધ્યાન રાખ્યું એ પણ તપાસનો વિષય છે. નિર્દોષ લોકોના મોત થયા છે એમના પરિવારજનોને ન્યાય મળે એ માટે કાર્યવાહી કરવા ઉચ્ચ કમિટી બનાવવા માટે પણ હું રજૂઆત કરીશ. રાજ્ય સરકારે જો રાજકોટ બાદ યોગ્ય કાર્યવાહી કરી હોત તો કદાચ આ દુર્ઘટના ન બની હોત. હું અપેક્ષા રાખું કે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.’

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગોડાઉન માત્ર ફટાકડાનો સ્ટોક કરવાની જ મંજૂરી હતી છતાં ત્યાં ફટાકડા બનાવવાની ફેક્ટરી શરૂ કરી દેવાઈ હતી. એવામાં હવે કોની બેદરકારીના કારણે શ્રમિકોએ જીવ ગુમાવ્યો તેની તપાસ જરૂરી છે. 

ડીસા અગ્નિકાંડ પર પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મોટું નિવેદન આપ્યું હતું કે, ફટાકડા સ્ટોરેજની આ જગ્યા પર ઘટની બની છે. તેમજ ફટાકડા સ્ટોરેજનું લાયસન્સ રીન્યુ કરવાની અરજી કરી હતી. 31 ડિસેમ્બર 2024 નાં રોજ લાયસન્સ એક્સપાયર થયું હતું. ફટાકડા સ્ટોરેજનું લાસયન્સ રીન્યુ કરાયું ન હતું. સુરક્ષા ઉપકરણોના અભાવે લાયસન્સ રીન્યુ કરાયું ન હતું. ફટાકડા સ્ટોરેજ લાયસન્સ વગર જ શરૂ કરી દેવાયા હતા. બે લોકોની પોલીસે અટકાયત કરી લીધી છે. ફેક્ટરીનાં માલિક હાલ ફરાર છે. તેને પકડવા માટે પોલીસે કામગીરી શરૂ કરી છે.

ડીસા ખાતે ફટાકડા ફેકટરીમાં લાગેલી આગ મામલે વડગામથી કોંગ્રેસનાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ નિવેદન આપ્યું હતુંકે, TRP અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારે ચોક્કસ કાર્યવાહી ન કરી. ફેક્ટરી, ગોડાઉન અન્ય એકમોમાં સરકારે નક્કર કાર્યવાહી ન કરી. ડીસાની ફેક્ટરીમાં માસૂમ બાળકો સહિત 18 લોકોના મોત થયા હતા. ફેક્ટરીમાં આગની ઘટના બની તે ચિંતાજનક છે. ઘટનામાં પ્રમાણિક અને નિષ્પક્ષ તપાસ થાય તેવી માંગ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *