નેપાળની ઓલી સરકારે પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહને હિંસામાં થયેલા નુકસાનની ભરપાઈ કરવા આદેશ આપ્યો

સોશિયલ મીડિયા પર શેર કરો

કાઠમંડુ,

નેપાળની ઓલી સરકારે રાજાશાહીના સમર્થનમાં થયેલી હિંસા બાદ પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહને હિંસામાં થયેલા નુકસાનની ભરપાઈ કરવા આદેશ આપ્યો છે. તેમજ તેમની સુરક્ષામાં પણ ઘટાડો કર્યો છે.

નેપાળ સરકારે પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહના સમર્થકો દ્વારા કરવામાં આવેલી હિંસા વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરતાં પૂર્વ રાજાની સુરક્ષામાં મૂકેલા 25 સુરક્ષાકર્મીઓની સંખ્યા ઘટાડી 16 કરી છે. તેમજ જૂના તમામ સુરક્ષાકર્મીઓને બદલી નાખવામાં આવ્યા છે. વધુમાં કાઠમાંડૂ નગર નિગમે પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહને નુકસાનની ભરપાઈ કરવા નોટિસ પણ મોકલી છે. જેમાં પૂર્વ રાજા પાસે રૂ. 7.93 લાખ નેપાળી રૂપિયા (રૂ. 5 લાખ) ચૂકવવા આદેશ કરાયો છે.

આ હિંસામાં બે લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે 15થી વધુ લોકો ઘાયલ થયા હતા. પોલીસ અને સરકાર આક્રમક રીતે તપાસ કાર્યવાહી કરી રહી છે. પોલીસે અત્યારસુધીમાં 130 લોકોની ધરપકડ કરી લીધી છે.

મહત્વનું છે કે, નેપાળના ગૃહ મંત્રાલયે આ સમગ્ર ઘટના માટે પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહ અને તેમની તરફથી આંદોલનનું નેતૃત્વ કરી રહેલા દુર્ગા પ્રસાઈને જવાબદાર ઠેરવ્યા છે. નેપાળે 2008માં સંસદ દ્વારા રાજાશાહી સમાપ્ત કરી હતી. ત્યારબાદ નેપાળ ધર્મનિરપેક્ષ, લોકતાંત્રિક દેશ બન્યો હતો. જો કે, છેલ્લા થોડા સમયથી ફરીથી રાજાશાહી સ્થાપિત કરવાની માગ ઉઠી છે. 19 ફેબ્રુઆરી, 2025ના રોજ લોકતંત્ર દિવસ પર્વે નિમિત્તે પૂર્વ રાજાએ પ્રજા પાસે રાજાશાહીને સમર્થન આપવાની અપીલ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *