મોસ્કો,
રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનના સત્તાવાર ગાડીના કાફલામાં સામેલ એક લક્ઝુરિયસ લિમોઝિન કારમાં ભયાનક વિસ્ફોટ થતા આખી કાર ભડભડ કરતી સળગી ગઈ હતી. આ ઘટના મધ્ય મોસ્કોમાં થવાના કારણે રશિયન પ્રમુખ પુતિનની સુરક્ષા સામે સવાલો ઊઠવા લાગ્યા છે આ સાથે ક્રેમલિનમાં જ આંતરિક ખતરો હોવાની શંકાઓ થવા લાગી છે.
72 વર્ષીય પુતિન લિમોસિન ગાડીનો જ નિયમિત રૂપે ઉપયોગ કરે છે. તેમણે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ સહિત ઘણાં લોકોને આ ગાડી ભેટમાં આપી છે. હાલમાં જ મરમંસ્કમાં FSO (Federal Protective Service) ના અધિકારીઓ દ્વારા ઔપચારિક ગાર્ડોની તપાસ કરવામાં આી હતી.
જોકે આ ઘટના થોડા દિવસ પહેલા યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી દ્વારા પુતિનનું મોત નજીક હોવાની ભવિષ્યવાણી બાદ બની છે.
આ ઘટના બાબતે મીડિયા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ગાડીમાં આગ એન્જિનથી નીકળી અને બાદમાં વાહનની અંદર ફેલાઈ ગઈ. ઘટના દરમિયાન આસપાસની રેસ્ટોરન્ટમાં હાજર લોકો ફાયરની ટીમ આવે તે પહેલાં જ મદદ માટે બહાર આવી ગયા હતાં. ફૂટેજમાં વાહનમાંથી નીકળતો કાળો ધૂમાડો જોવા મળી રહ્યો છે અને કારની પાછળના ભાગમાં નુકસાન જોવા મળી રહ્યું છે. વિસ્ફોટની પાછળનું કારણ હજુ સુધી અકબંધ છે, તેમજ કોઈ જાનહાનિની ઘટના પણ સામે નથી આવી. કથિત રૂપે વાહનનું સંચાલન રાષ્ટ્ર પ્રમુખના એસ્ટેટ વિભાગ દ્વારા કરવામાં આવે છે, જે પુતિનના પરિવહનને સંભાળે છે. હજુ સુધી સ્પષ્ટ નથી થયું કે, ઘટનાના સમય કારની અંદર કોઈ બેઠું હતું કે નહીં.