નવી દિલ્હી,
કેન્દ્ર સરકારે સાંસદોના પગાર, દૈનિક ભથ્થા અને પેન્શનમાં વધારા અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. સંસદીય બાબતોના મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન અનુસાર આ સુધારેલ પગાર ધોરણ 1 એપ્રિલ, 2023 થી લાગુ થશે. ફુગાવાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે સભ્યોના પગાર, ભથ્થાં અને પેન્શન અધિનિયમ, 1954 હેઠળ પગાર અને પેન્શનમાં સુધારો કર્યો છે.
કેન્દ્ર સરકારે બહાર પાડેલ જાહેરનામા મુજબ, સાંસદોના પગાર, દૈનિક ભથ્થું અને પેન્શનમાં ફેરફાર કરવામાં આવ્યા છે. સાંસદોને પહેલા મહિને રૂપિયા 1,00,000 પગાર મળતો હતો, જે વધારીને 1.24 લાખ કરવામાં આવ્યો છે. જ્યારે દૈનિક ભથ્થું રૂપિયા 2000થી વધારી 2500 કરવામાં આવ્યું છે. આ સાથે પૂર્વ સાંસદોના પેન્શનમાં પણ વધારો કરવામાં આવ્યો છે. પૂર્વ સાંસદોનું માસિક પેન્શન 25000થી વધારીને 31000 કરવામાં આવ્યું છે. જ્યારે વધારાનું પેન્શન (5 વર્ષથી વધુ સેવા માટે) રૂ. 2000થી વધારીને 2500 કરવામાં આવ્યું છે.
કેન્દ્ર સરકારે ફુગાવા (કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ) ને ધ્યાનમાં રાખીને પગારમાં આ વધારો કર્યો છે, જેનાથી સાંસદોને ઘણી મદદ મળશે. આ અંગે સરકારનું કહેવું છે કે આ પગાર વધારો છેલ્લા 5 વર્ષમાં વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. આ ફેરફાર RBI દ્વારા નિર્ધારિત ફુગાવાના દર અને ખર્ચ સૂચકાંકના આધારે કરવામાં આવ્યો છે. વર્તમાન અને ભૂતપૂર્વ સાંસદોને આનો લાભ મળશે.
આ સુધારો સંસદના વર્તમાન બજેટ સત્ર દરમિયાન કરવામાં આવ્યો છે. સાંસદોના પગાર, ભથ્થાં અને પેન્શનમાં છેલ્લે એપ્રિલ 2018માં ફેરફાર કરવામાં આવ્યા હતા. આ વધારાનો લાભ 543 લોકસભા સાંસદો, 245 રાજ્યસભા સાંસદો અને ઘણા ભૂતપૂર્વ સાંસદોને પેન્શનના સ્વરૂપે મળશે. પગાર અને ભથ્થાં ઉપરાંત, સેવારત સાંસદો અન્ય અનેક લાભો પણ સરકાર આપે છે. સાંસદોને તેમના મતવિસ્તારમાં કામ કરવા માટે દર મહિને 70,000 અને ઓફિસ ખર્ચ માટે દર મહિને 60,000નું મતવિસ્તાર ભથ્થું મળે છે. આમાં સ્ટાફનો પગાર, ફોન અને સ્ટેશનરીનો સમાવેશ થાય છે.