કોડીનાર,
કોડીનાર તાલુકામાં શોકની લાગણી ફરીવળી હતી જ્યારે માઢવાડ ગામે બે બાળકોના ડૂબી જવાથી મોત થયાના સમાચાર વહેતા થયા હતા. માઢવાડ ગામે બે બાળકો શાળાએથી છૂટયા બાદ દરિયામાં થરમોકોલના ટુકડા ઉપર બેસી રમતા હતા. આ દરમિયાન પવન નો વેગ વધતાં બન્ને બાળકો દરિયાની અંદર તણાયા હતા, જેના કારણે બંનેના મૃત્યુ થયા હતા. ભારે શોધખોળ બાદ સાહિલ અને દેવરાજનો મૃતદેહ દરિયામાંથી મળી આવ્યા હતા. બાળકોના મોતથી પરિવાર સહિત ગ્રામજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.
આ સમગ્ર મામલે સૂત્રો થકી મળી રહેલી માહિતી મુજબ, માઢવાડ ગામના 8 વર્ષીય સાહિલ પાંજરી અને 12 વર્ષીય દેવરાજ ગોહિલ શાળાએથી છૂટીને દરિયામાં થર્મોકોલ ઉપર બેસી રમતા હતા. તે સમયે પવનની લહેરખી આવતા બાળકો દરિયામાં તણાયા હતા. આ ઘટનાની જાણ એક યુવકને થતા ગામ લોકોને કરી હતી. ત્યારબાદ ગામના માછીમાર યુવાનો દ્રારા બાળકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.